દેશને આત્મનિર્ભર બનાવવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ મહત્ત્વના: મોદી
મુંબઈ: દેશને આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારોએ યુવા વર્ગ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો વ્યાપ વધારવો જોઈએ એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું. વીડિયો લિંક મારફત મહારાષ્ટ્રમાં ૫૧૧ પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યા પછી આપેલા વક્તવ્યમાં મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારોએ દેશનો વિકાસ થાય એ આશય સાથે કૌશલ્ય વિકાસ કાર્યક્રમો તૈયાર કરવા જોઈએ. ભાજપના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સ્વર્ગીય
પ્રમોદ મહાજનની સ્મૃતિમાં મહારાષ્ટ્રના ૩૪ ગ્રામીણ જિલ્લામાં ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે અગાઉની સરકારો પાસે યુવાવર્ગના કૌશલ્ય વિકાસ માટે કોઈ દૃષ્ટિ નહોતી અને એ માટે કોઈ ગંભીરતા પણ નહોતી. એનું યુવાવર્ગને ખાસ્સું નુકસાન થયું છે. અમારા શાસનકાળમાં અલાયદું કૌશલ્ય મંત્રાલય શરૂ કરવામાં આવતા ૧.૩૦ કરોડ યુવાનોને એનો લાભ મળ્યો છે. (પીટીઆઈ)