છ કબડ્ડી પ્લેયર્સે રૂ. 12 લાખ ગુમાવ્યા: રેલવેના બોગસ અધિકારી સામે ગુનો દાખલ
મુંબઈ: રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીના સ્વાંગમાં રેલવેમાં સ્પોટર્સ કેટેગરીમાં સિનિયર પોસ્ટ પર નોકરી મેળવી આપવાને બહાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના કબડ્ડી પ્લેયર્સ સાથે રૂ. 12 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે સુશાંત સૂર્યવંશી નામના શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધ આદરી હતી.
અંગકોર સ્પોટર્સ ક્લબ સાથે કામ કરતો તેમ જ લાલબાગ ખાતે રાજ્ય અને રાષ્ટ્રીય કબડ્ડી ચેમ્પિયનશિપ રમવા યુવાનોનું કોચિંગ કરતો અનિલ ઘાટે છેતરપિંડીનો ભોગ બન્યા બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘાટેના મિત્ર સંજય માર્લેએ તેની મુલાકાત સૂર્યવંશી સાથે કરાવી આપી હતી અને કહ્યું હતું કે સૂર્યવંશી દિલ્હીમાં રેલવમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે.
સૂર્યવંશીએ કહ્યું હતું કે રેલવેમાં નોકરીની ભરપૂર તકો છે એ કબડ્ડી પ્લેયર્સને તે નોકરી મેળવી આપવામાં મદદ કરી શકે છે. ઑગસ્ટમાં તેણે સ્પોટર્સ કેટેગરીમાં રેલવેમાં ટીસી અને ક્લર્કના હોદ્દા ખાલી હોવાનું અને જો કોઇને નોકરી જોઇતી હોય તો પોતે મદદ કરવા તૈયાર હોવાનું સૂર્યવંશીએ જણાવ્યું હતું. આઠ જણ માટે ક્વોટા અનામત છે. ઉપરાંત રેલવે અધિકારીઓને ઉમેદવાર દીઠ રૂ. બે લાખ ખવડાવવા પડશે, એમ તેણે કહ્યું હતું.
દરમિયાન આઠમાંથી છ પ્લેયરે રૂ. 12 લાખ ચૂકવ્યા હતા. બાદમાં તેમને ખબર પડી હતી કે સૂર્યવંશી નામની કોઇ પણ વ્યક્તિ રેલવેમાં નોકરી કરતી નથી. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં ઘાટેએ કાલાચોકી પોલીસનો સંપર્ક સાધીને ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે સૂર્યવંશી સામે ગુનો દાખલ કર્યો હતો.