વિક્રોલીમાં સાડા છ ટનની ચાંદીની ઈંટો ચૂંટણી પંચે જપ્ત કરી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણી આડે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિક્રોલીમાં એક કેશ વાનમાંથી સાડા છ ટન ચાંદીની ઇંટો જપ્ત કરવામાં આવી છે. આ ચાંદીની ઇંટોની કિંમત કરોડો રૂપિયા થાય છે. વિક્રોલી પોલીસ અને ચૂંટણી પંચની તપાસ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવેલી કેશ વેનમાં ચાંદીની ઈંટો મળી આવી છે.
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે કરોડો રૂપિયાની કિંમતની આ ચાંદીની ઇંટો બ્રિન્ક્સ કંપનીના વાહન દ્વારા મુલુંડના એક વેરહાઉસમાં રાખવામાં આવી હતી. જોકે, આ ચાંદીની ઈંટો કોની છે તે હાલ જાણી શકાયું નથી. પોલીસે હાલમાં આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : મુંબઇ એરપોર્ટ પર એક ડઝન વિદેશી કાચબા સાથે બે પ્રવાસી પકડાયા
મહારાષ્ટ્રમાં હાલમાં વિધાન સભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવાનું વાતાવરણ છે. પોલીસ અને ચૂંટણી પંચની ટીમો દ્વારા કડક વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાં ઑપરેશન ચાલી રહ્યા છે, જેમાં લાખો, કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. તાજેતરમાં જ પોલીસે એક કારમાંથી મોટી રોકડ જપ્ત કરી હતી. આ અગાઉ 8 નવેમ્બરના રોજ પણ પોલીસે 2 કરોડ 30 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ કેસમાં પોલીસે 12 લોકોની અટક કરી તેમની પૂછપરછ કરી હતી. પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. પોલીસે ભુલેશ્વર માર્કેટ, કાલબાદેવીમાં ગેરકાયદે મોટા પ્રમાણમાં રોકડ લઇ જવામાં આવી રહી હોવાની માહિતીને આધારે છટકું ગોઠવી એક વાહનમાંથી મોટા પ્રમાણમાં રોકડ રિકવર કરી હતી અને 12 લોકોની અટક પણ કરી હતી.