મધ્ય રેલવેમાં સિગ્નલ લોકેશન એનાઉન્સમેન્ટ સિસ્ટમ મોટરમેનને સિગ્નલ આવતા પહેલા જ મળશે એલર્ટ
મુંબઈ: થોડા સમય પેહલા મધ્ય રેલવેના સીએસએમટી નજીક ટ્રેનના મોટરમેન દ્વારા ખોટા સિગ્નલને જોતાં એક માર્ગ પર બે ટ્રેનો આવી જવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. આવી ઘટનાઓને રોકવા માટે સૌપ્રથમ મધ્ય રેલવે દ્વારા એક સંભવિત ઉકેલ આપવામાં આવ્યો છે. આ ઉકેલમાં ટ્રેનના મોટરમેનની કેબિનમાં એક ઉપકરણ લગાડવામાં આવશે જે મધ્ય રેલવેમાં લાગેલા ૨૦૦૦ સિગ્નલના થાંભલાના પોઝિશનની માહિતી અને ડેટા આપવાનું કામ કરશે.
ટ્રેનના મોટરમેનની કેબિનમાં લગાડવામાં આવેલા આ ઉપકરણને સિગ્નલ લોકેશન એનાઉન્સમેન્ટ સિસ્ટમ એસઆઇએલએએસ તરીકે ઓળખાય છે જે ટ્રેનના મોટરમેનને માર્ગમાં આવતા સિગ્નલની સ્થિતિ વિશે પહેલાથી જ જાણ કરશે. મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે આવી સિસ્ટમ એક લોકલમાં સ્થાપિત કરવામાં આવી છે. આ ઉપક્રમને વધુ તપાસવા માટે આગામી સમયમાં કર્જત-કસારા એસસીએમટી અને પનવેલ સીએસએમટી હાર્બર લાઇનની ૧૦ લોકલ ટ્રેનોમાં પણ બેસાડવામાં આવશે.
સીએસએમટી નજીક મોટરમેન દ્વારા ખોટું સિગ્નલને જોતાં આવી ઘટનાને ભવિષ્યમાં બનવાથી રોકવા માટે આ યંત્રણા બેસાડવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે એક નિયમ મુજબ સિગ્નલના થાંભલાઓ ડાબી બાજુ હોવા ફરજિયાત છે, પરંતુ રેલવેના માર્ગમાં જગ્યાનો અભાવ અને અનેક વળાંકો આવતા ૧૦૦-૧૫૦ જેટલાં સિગ્નલોને જમણી બાજુ બેસાડવામાં આવ્યાં છે. એસઆઇએલએએસ આ સિસ્ટમમાં જીપીએસ બેસાડવામાં આવ્યું છે જે માર્ગમાં આવતા સિગ્નલોની દરેક માહિતી સીધી મોટરમેન સુધી પહોચશે. આ સિસ્ટમને મોટરમેનની કેબિનના ડેશબોર્ડમાં બેસાડવામાં આવ્યું છે. સિસ્ટમની સ્ક્રીન પર મોટરમેને લાલ, પીળો, ડાર્ક પીળો કે લીલા સિગ્નલ પર નજર રાખવાની રહેશે.
સિગ્નલ લોકેશન એનાઉન્સમેન્ટ સિસ્ટમ પહેલા મોટરમેને માર્ગમાં આવતા દરેક સિગ્નલોની લોકેશન યાદ રાખવી પડતી પણ હવે આ સિસ્ટમ દૂરથી જ ફાસ્ટ અને સ્લો લાઇનની માહિતી આપશે. ટ્રેન જ્યારે સિગ્નલથી ૩૫૦ મીટર અને ૨૫૦ મીટર દૂર હશે ત્યારે આ સિસ્ટમ મોટરમેનને એલર્ટ આપશે. લોકલ ટ્રેનોના માર્ગ પર દર ૪૫૦-૭૫૦ મીટરના અંતરે સિગ્નલો લગાડવામાં આવ્યાં હોવાની માહિતી અધિકારીએ આપી હતી.
સિસ્ટમના બોક્સના મધ્ય ભાગમાં એક સ્પીકર અને ડાબે અને જમણે બટન બેસાડવામાં આવ્યા છે જે ટ્રેનના માર્ગ અને ટ્રેન ફાસ્ટ કે સ્લો લાઇન પર દોડશે એ દર્શાવવાનું કામ કરશે. મોટરમેન દ્વારા આ માહિતી ભર્યા બાદ આ સિસ્ટમ શરૂ થઈ જશે. આ સિસ્ટમ દરેક સિગ્નલ આવતા પહેલા તેની લોકેશન અને માર્ગમાં વળાંક પર બેસાડવામાં આવેલા સિગ્નલોની પણ માહિતી આપશે. ટ્રેન જ્યારે એક પીળું સિગ્નલ કોર્સ કરી આગળ વધશે ત્યારે તે લાઇનમાં આગળ આવેલા લાલ સિગ્નલ બાબતે જાણ કરશે. એવી માહિતી મધ્ય રેલવેના એક અધિકારીએ આપી હતી.