સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા આ ફેરફારઃ જાણી લો…

મુંબઈઃ શહેરના જગપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઑપરેશન સિંદૂર હેઠળ ભારત પાકિસ્તાન પર એક પછી એક પ્રહાર કરી રહ્યું છે અને તેથી દેશમાં પણ સુરક્ષાના વિવિધ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે મુંબઈમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિરના વહીવટીતંત્રએ પણ એક નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત 11મી મે, રવિવારથી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ભગવાન માટે ફુલહાર અને નાળિયેર લઈને નહીં આવી શકે. ગણેશજીને ચડાવાતું દુર્વા ઘાસ ભાવિકો લઈ જઈ શકશે.
સિદ્ધિવિનાયક મંદિરે સુરક્ષાના કારણોથી ફૂલો અને નારિયેળના માળા ચઢાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિર ટ્રસ્ટના ખજાનચી પવન કુમાર ત્રિપાઠીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ફૂલોની માળા અને નારિયેળ ચઢાવવાની મંજૂરી નથી, પરંતુ દુર્વા ઘાસ ચડાવવાની મંજૂરી છે.
જોકે આ પહેલીવાર નથી. અગાઉ પણ કોઈ જોખમી ઘટના ન બને તે માટે આવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. 26/11 હુમલાના કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલીએ ખુલાસો કર્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિર પણ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનોના નિશાના પર હતું. આને ધ્યાનમાં રાખીને, મંદિર અે ભક્તોની સુરક્ષા પહેલી પ્રાથમિકતા બની જાય છે. દરમિયાન ગુરુવારે, સિદ્ધિવિનાયક મંદિરમાં ભારતના ઓપરેશન સિંદૂર ની સફળતા માટે પૂજાનું આયોજન કર્યું હતું.
આપણ વાંચો : હમ હૈ તૈયારઃ મુંબઈના સૌથી મોટા રેલવે સ્ટેશનમાં યોજાઈ મોક ડ્રીલ સંપન્ન…