મુંબઈનું પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર આટલા દિવસ દર્શન માટે બંધ, જાણો કારણ
મુંબઇઃ મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર જગપ્રસિદ્ધ છે. દરરોજ હજારો ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. સિદ્ધિવિનાયક ના દર્શન કરવા માટે માત્ર મુંબઈથી જ નહીં પરંતુ દેશભરમાંથી ભક્તો આવે છે. સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન માટે હંમેશા કતારો લાગે છે . મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શપથ લેતા પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી હતી. હવે આ મંદિર પાંચ દિવસ માટે દર્શન માટે બંધ રાખવામાં આવ્યું છે.
પ્રભાદેવી વિસ્તારમાં આવેલા સિદ્ધિવિનાયક મંદિર ખાતે બુધવારે તા. 11 ડિસેમ્બરથી રવિવાર 15 ડિસેમ્બર સુધી સિદ્ધિવિનાયકને સિંદૂરનો લેપ ચઢાવવામાં આવી રહ્યો છે, તેથી આ સમયગાળા દરમિયાન મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જો કે, ભક્તોને બહારથી શ્રીની મૂર્તિના દર્શન કરાવવામાં આવી રહ્યા છે.
આ સમયગાળા દરમિયાન મંદિરમાં તમામ નિયમિત ધાર્મિક કાર્યક્રમો રાબેતા મુજબ ચાલુ રહેશે તેવી માહિતી આપવામાં આવી છે. મંદિર પ્રશાસન દ્વારા મૂળ મૂર્તિની સામે પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી ભક્તો તે પ્રતિકૃતિના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આવતા વર્ષે 1 ફેબ્રુઆરીએ માઘી ગણેશોત્સવ યોજાશે. તેની તૈયારી હાલમાં મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. ભક્તોને 17 ડિસેમ્બર પછી જ મૂળ મૂર્તિના દર્શન થઇ શકશે.
Aslo read:
સિદ્ધિવિનાયકનું નિર્માણ 19 નવેમ્બર 1801ના રોજ થયું હતું. અગ્રી સમુદાયના લક્ષ્મણ વિથુ અને દેબાઈ પાટીલે આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં ભક્તો દ્વારા પુષ્કળ દાન આપવામાં આવે છે. તેથી, આ મંદિરનો ભારતના સૌથી ધનિક મંદિરોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીસમી સદીના ઉત્તરાર્ધમાં એક નાનકડા મંદિરમાંથી આજે સિદ્ધિવિનાયક મંદિર ભવ્ય મંદિર તરીકે વિકાસ પામ્યું છે. સિદ્ધિવિનાયક મંદિરમાં ગર્ભગૃહના લાકડાના દરવાજા પર અષ્ટવિનાયકના આઠ સ્વરૂપો કોતરવામાં આવ્યા છે. મંદિરના ગર્ભગૃહમાં સોનાની પ્લેટ મઢેલી છે અને મધ્ય ભાગમાં સિદ્ધિવિનાયકની મૂર્તિ છે. મંદિરના પરિસરમાં હનુમાનજીનું મંદિર પણ આવેલું છે.