સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ અંગે મહિલા આયોગમાં ફરિયાદ
મુંબઇઃ મહારાષ્ટ્રના વિવિધમંદિરોમાં દર્શને આવતા લોકો માટે ડ્રેસ કોૉ જારી કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષથી રાજ્યમાં આવેલા સપ્તશ્રંગી મંદિર, તુળજાભવાની મંદિર, સિંધુ દુર્ગમાં આવેલા કુંકેશ્વર મંદિરમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે હવે મુંબઇના પ્રભાદેવી ખાતે આવેલા જગપ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પણ હવે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હવે આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશવા માટે નક્કી કરવામાં આવ્યો ખાસ ડ્રેસ કોડ
શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટે એક સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોએ મંદિરની પવિત્રતા જળવાય એવા વસ્ત્રો પહેરીને આવવું જોઇએ. મંદિરમાં આવતા ભક્તોએ હવે પરંપરાગત ભારતીય પોશાક અથવા સંપૂર્ણ શરીર ઢંકાય તેવા વસ્ત્ર પહેરીને આવવું પડશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે ડ્રેસ કોડ મુજબ વસ્ત્રો નહીં પહેરનારાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ નિર્ણયનો અમલ પહેલી ફેબ્રુઆરીથી કરવામાં આવશે, એમ જણાવવામાં આવ્યું છે.
ઝેન સદાવર્તેએ વિરોધ નોંધાવ્યો
મંદિર ટ્રસ્ટના આ સૂચનોને મહિલાઓએ આવકાર્યા છે, પણ વરિષ્ઠ ધારાશાસ્ત્રી ગુણરત્ન સદાવર્તેની પુત્રી ઝેન સદાવર્તેએ આ નિયમ સામે રાષ્ટ્રીય મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે ભક્તો પર લાદવામાં આવેલો ડ્રેસ કરોડ સામાજિક રીતે ભેદભાવપૂર્ણ અને ખોટો છે. સિદ્ધિ વિનાયક મંદિરમાં લાગુ કરવામાં આવેલો ડ્રેસ કોડ લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.ભારત એક સંસ્કૃતિક અને વૈવિધ્યસભર લોકશાહી દેશ છે, જેમાં સહુને તેમની માન્યતાઓનું પાલન કરવાની છૂટ હોવી જોઇએ. કપડાના આધારે લોકો સાથે ભેદભાવ કરવામાં આવે તે ખોટું છે. લોકો શ્રદ્ધાથી મંદિરમાં દર્શન કરવા આવે છે, ત્યારે લોકોની શ્રદ્ધા જોવાની હોય લોકોના કપડાં નહી. હું નમ્રતાપૂર્વક આગ્રહ કરું છું કે ડ્રેસ કોડના નિયમ પર ફરીથી વિચાર કરવામાં આવે અને આ ભેદભાવપૂર્ણ નિયમોમાં સુધારો કરવામાં આવે.
આ પણ વાંચો: રત્નાગિરિના 50 મંદિરમાં ડ્રેસકોડ લાગુ
નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 232 જેટલા મંદિરોમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે મંદિરોની બહાર ડ્રેસ કોર્ડના નિયમોના બોર્ડ લગાવવામાં આવ્યા છે અને અનેક જગ્યાએ તેને સમર્થન પણ મળી રહ્યું છે. હવે સિદ્ધિ વિનાયક મંદિરમાં ડ્રેસ કોડ મામલે શું નિવેડો આવે છે તે જોવું રહ્યું.