આમચી મુંબઈ

કોસ્ટલ રોડ અને સી-લિંકને જોડવાના શ્રીગણેશ ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’ પ્રોજેક્ટ સાઇટ પર ૧૬ કલાકે પહોંચ્યો

બીજો ગર્ડર મે અંતમાં લોન્ચ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા કોસ્ટલ રોડ સાથે બાન્દ્રા-વરલી સી-લિંકને જોડતા ૨,૦૦૦ ટનના પહેલા ‘બૉ આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’થી જોડવાનું કામ શુક્રવારે વહેલી સવારે હાથ ધરવાની હોવાની જાહેરાત કરી હતી. ગુરુવારે વહેલી સવારે ૨,૦૦૦ મેટ્રિક ટનનો ‘બો આર્ચ સ્ટ્રિંગ ગર્ડર’ મુંબઈ કોસ્ટલ રોડની વરલી સાઈટ પર પહોંચ્યો હતો. ૧૩૬ મીટર લાંબો બ્રિજની જમણી બાજુ સફર ૨૪ એપ્રિલ, બુધવારે બપોરે ૧૨.૩૦ વાગે મઝગાંવ ડોકના ન્હાવા યુનિટથી શરૂ થઈ હતી અને ૨૫ એપ્રિલના વહેલી સવારે ચાર વાગે ગર્ડર પ્રોેજેક્ટ સાઈટ પર પહોંચી ગયો હતો.

આર્ચને ૨૫,૦૦૦ મેટ્રિક ટનના વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડ સાઈઝના બાર્જમાં લાવવામાં આવી હતી. ગર્ડર લોન્ચિંગના કામમાં ઈન્સ્ટોલેશનનું કામ પાંચથી છ કલાકમાં પૂર્ણ કરવાની પાલિકાની ધારણા છે. ૧૩૬ મીટર સ્ટીલ ગર્ડર ખુલ્લા સમુદ્ર પર ભારતની સૌથી મોટી ‘બો સ્ટ્રિંગ’ છે.

મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ના અધિકારીના જણાવ્યા મુજબ આગળનું કામ શુક્રવારે મોડી રાતના બે વાગે હાથ ધરીને સવારના ૪.૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની ધારણા હતી. આ કોસ્ટલ રોડને બાંદ્રા-વરલી સી લિંક સાથે જોડવાનો પાયો બની રહેશે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે વહેલી સવારના કામ હાથ ધરવાનું કારણ એ છે કે જમીન અને દરિયાના પાણીનું તાપમાન વધુ ઓછા પ્રમાણમાં સમાન બની જાય છે, જેના પરિણામે ઓછા પવનો અને દરિયાઈ કામ માટે અનુકુળ પરિસ્થિતિઓ બને છે.

ગર્ડરને બેસાડવાનું કામ અત્યંત પડકારજનક બની રહેવાનું છે, કારણકે વરલી સાઈટના દરિયામાં છીછરા પાણી છે અને દરિયાની સ્થિતી પણ બદલાઈ રહી છે. ઉપરાંત દરિયાની નીચે રહેલા પથ્થર બાર્જને નુકસાન પહોંચાડી શક છે. તેથી કામ કાળજીપૂર્વક કરવાનું લક્ષ્યાંક રહેશે. ઈરેકશનની પ્રક્રિયામાં બે કલાકની જરૂર પડે છે, કારણ કે તેમાં એક બાર્જને ૫૦ મીટર દૂરથી બ્રિજની ગોઠવણીથી થાંભલાઓ વચ્ચેની સ્થિતિમાં ખસેડવાનો સમાવેશ થાય છે. આ સૌથી વધુ સમય માંગી લેતું પગલું છે. અનુકુળ મોજા અને પવનની સ્થિતિ જ્યારે શ્રેષ્ઠ હોય છે ત્યારે માત્ર ૪૦ સેેકેન્ડમાં સ્પેન તેના ચોક્કસ સ્થાને નીચે આવશે એવું અધિકારીએ જણાવ્યું હતું.

ત્યારબાદ બાકીના કામ જેવા કે રોડ બનાવવો, વોટર પ્રૂફિંગમાં હજી એક મહિનો લાગવાની અપેક્ષા છે. અગાઉની યોજના મઝગાંવ ડોકના ન્હાવા યુનિટમાંથી ૨૧ એપ્રિલે સ્પાન શિફ્ટ કરવાની યોજના હતી. પરંતુ અનુકુળ આબોહવાની પરિસ્થિતિઓને કારણે તેને મુલતવી રાખવી પડી હતી.

મે અંત સુધીમાં બ્રિજના ડાબી બાજુને પણ સાઈટ પર લાવવાની યોજના છે, જે ૧૪૩ મીટર લાંબો હશે અને થોડા વળાંકને કારણે તે ૨,૪૦૦ મેટ્રિક ટન વજનનો હશે.

અત્યાર સુધીમાં મુંબઈ કોસ્ટલ રોડનું ૮૭ ટકા કામ પૂરું થઈ ગયું છે અને જૂન ૨૦૨૪ સુધીમાં ઉત્તર તરફનો રોડ શરૂ કરવાની યોજના છે. હાલ દક્ષિણ તરફ જતો કોસ્ટલ રોડ સોમવારથી શુક્રવાર સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી વાહનો માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button