સિદ્ધિવિનાયક મંદિર પરિસરનો સુશોભીકરણ રૂ. ૭૮ કરોડના ખર્ચે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્રભાદેવીમાં આવેલા શ્રી સિદ્ધિવિનાયક મંદિરની આજુબાજુના વિસ્તારમાં સુવિધાઓમાં વધારો કરવાની સાથે જ સુશોભીકરણ કરવાના પ્રોજેક્ટના પહેલા તબક્કાના કામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે. આ પ્રસ્તાવ રજૂ થવાના લગભગ બે વર્ષ પછી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે અને આ કામ માટે લગભગ ૭૮ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
મંદિર પરિસરના અપગ્રેડેશન અને બ્યુટીફિકેશન પ્રોજેક્ટને કારણે મંદિરમાં થતી ભીડ ઓછી કરવામાં અને મંદિર પરિસરના સૌંદર્યમાં વધારો કરવામાં મદદ મળશે. આ કામ શરૂ થવાના ૧૨ મહિનાની અંદર સમગ્ર વિસ્તારનો પુનર્વિકાસ પૂર્ણ થવાની અપેક્ષા છે.
લગભગ બે સદી જૂના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોની સતત ભીડ રહેતી હોય છે. ખાસ કરીને રાવ બહાદુર એસ.કે. બોલે રોડ પર ફૂલ વેચનારાઓ અને સ્ટોલ હોવાને કારણે પ્રવેશદ્વાર પણ સતત લાંબી લાઈન લાગીને લોકોને અવરજવર કરવામાં પણ અડચણ આવતી હોય છે.
તેથી જાન્યુઆરી ૨૦૨૪માં પાલિકાએ મંદિરના માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરવા અને મુલાકાતીઓ માટે સુવિધા સુધારવા માટે ૪૯૩ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે આર્કિટેક્ચરલ ક્ધસલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી હતી, જે મંદિર પરિસરના પુન:વિકાસ માટે વિગત વાર પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કરશે. જરૂરી પરવાનગીઓ મેળવશે અને ટેન્ડર દસ્તાવેજોનો ડ્રાફ્ટ તૈયાર કરશે.
મંદિર પરિસરના સુશોભીકરણ અને સુવિધામાં વધારો કરવાના પ્રોજેક્ટના પહેલા તબક્કા માટે પાલિકાએ સોમવારે ટેન્ડર બહાર પાડયા હતા. ૨૯ સપ્ટેમ્બરના રોજ પ્રી-બિડ મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ પહેલા તબક્કામાં ભીડ ઓછી કરવા અને મંદિરના બાહ્ય દેખાવને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જેમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ લોટનું બાંધકામ, આગળના ભાગ પર આરસપહાણની દિવાલ પર કોતરણણી, મુખ્ય પ્રવેશદ્વાર, છતની છત્રી બદલવાનું અને પરિસરના આસપાસનું નવા ફ્લોરિંગનો સમાવેશ થાય છે. અપગ્રેડેશન અને બ્યુટિફિકેશન ત્રણ તબક્કામાં હાથ ધરવામાં આવવાનું છે. બીજા તબક્કામાં મુલાકાતીઓને આપવામાં આવતી સેવાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
જેમાં પગપાળા આવવાનો અને દર્શન માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે સુવિધા કેન્દ્ર બનાવવાનો સમાવેશ થાય છે. સુરક્ષા માટે વધારાની ચેકપોસ્ટ બનાવવાની સાથે જ ક્રાઉડ એન્ડ સેફટી મેનેજમેન્ટ સિસ્ટમમાં સુધારો કરવામાં આવશે. પ્રવેશને સરળ બનાવવા માટે કાકાસાહેબ ગાડગીલ માર્ગ પર એન નવો પ્રવેશ દ્વાર, રિદ્ધિગેટ બનાવવામાં આવશે. સિદ્ધિ ગેટની સાથે ભગવાન ગણેશની પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિના નામ પર રાખવામાં આવેલા જોડિયા પ્રવેશદ્વાર અને મંદિરના પ્રતીકાત્મક પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.
આ પણ વાંચો…સિદ્ધિવિનાયક મંદિરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા આ ફેરફારઃ જાણી લો…