મુંબઈથી મહારાષ્ટ્ર હજી 173 રન પાછળ…
મુંબઈ: અહીં રમાતી રણજી ટ્રોફીની ચાર-દિવસીય મૅચમાં શનિવારે બીજા દિવસે મુંબઈનો પ્રથમ દાવ 441 રને પૂરો થયા બાદ મહારાષ્ટ્રના બીજા દાવમાં એક વિકેટે 142 રન હતા અને મુંબઈથી હજી 173 રન પાછળ હતું.
મુંબઈને 440-પ્લસનો સ્કોર અપાવવામાં આયુષ મ્હાત્રે (176) અને શ્રેયસ ઐયર (142)ના સૌથી મોટા યોગદાન હતા. મહારાષ્ટ્રના હિતેશ વાળુંજે છ વિકેટ લીધી હતી. મહારાષ્ટ્રના પ્રથમ દાવમાં ફક્ત 126 રન હતા અને મુંબઈએ 315 રનની લીડ લીધી હતી.
શનિવારે મહારાષ્ટ્રને 142/1ની થોડી સન્માનજનક સ્થિતિમાં લાવવામાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (80 નૉટઆઉટ) તથા સચિન દાસ (59 નૉટઆઉટ)ના સૌથી મોટા યોગદાનો હતા.
અન્ય રણજી મૅચોમાં શું બન્યું?
(1) દિલ્હીમાં બીજા દિવસે બરોડાએ છ વિકેટે 477 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિક્લેર કર્યા બાદ સર્વિસીઝે 74 રનમાં બે વિકેટ ગુમાવી હતી.
(2) અમદાવાદમાં ગુજરાતે પહેલા દાવમાં 367 રન બનાવ્યા બાદ આંધ્રએ પાંચ વિકેટે 137 રન બનાવ્યા હતા.
(3) રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે છત્તીસગઢે પ્રથમ દાવમાં કૅપ્ટન અમનદીપ ખરેના અણનમ 203 રનની મદદથી સાત વિકેટે 578 રન બનાવ્યા હતા.
(4) ધરમશાલામાં રાજસ્થાને પહેલા દાવમાં 334 રન બનાવ્યા પછી હિમાચલની ટીમ દીપક ચાહરની પાંચ વિકેટ બદલ ફક્ત 98 રનમાં આઉટ થઈ ગઈ હતી. ફૉલો-ઑન બાદ બીજા દાવમાં હિમાચલના બે વિકેટે 147 રન હતા અને રાજસ્થાનથી હજી 89 રન પાછળ હતું.