બીએમસીની ચૂંટણી સ્વબળે લડવી કે મહાયુતી સાથે, જાણો ફડણવીસે શું કહ્યું?
Top Newsઆમચી મુંબઈ

બીએમસીની ચૂંટણી સ્વબળે લડવી કે મહાયુતી સાથે, જાણો ફડણવીસે શું કહ્યું?

મુંબઈઃ બિહારની ચૂંટણી બાદ એટલી જ મહત્વની ચૂંટણી મુંબઈ મહાનગરપાલિકાની સાબિત થશે. નવા સમીકરણો રચાયા બાદ આ પહેલી પાલિકાની ચૂંટણી હશે અને હજુ પણ ચિત્ર બદલાઈ શકે છે ત્યારે રાજ્યમાં સત્તા ધરાવતી મહાયુતીના પક્ષો પણ પાલિકાની ચૂંટણી સાથે લડશે કે નહીં તે મામલે અવઢવ છે ત્યારે ભાજપના નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો ઈશારો સમજવા જેવો છે.

કોણ નક્કી કરશે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈ ભાજપના નેતા અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યમાં આવનારી સ્વરાજ્યની ચૂંટણી મામલે ચર્ચા થઈ, જેમાં પાલિકાની ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. દેવેન્દ્રએ આ મામલે જણાવ્યું કે આવનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી સ્વબળે લડવી કે મહાયુતી સાથે મળી લડવી તેનો નિર્ણય જિલ્લાધ્યક્ષ કરશે.

જિલ્લાધ્યક્ષ અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી પક્ષશ્રેષ્ઠીઓને જણાવશે. જોકે તેમણે ખાસ કહ્યું હતું કે જો અલગ અલગ લડવાનો નિર્ણય લેવામાં આવે તો પણ એકવાત ધ્યાનમાં રાખવાની રહેશે કે આપણે રાજ્યમાં યુતી ધરાવીએ છીએ, તેથી મિત્રપક્ષને નુકસાન જાય કે તકલીફ પડે તેવા કોઈ નિર્ણયો લેવામાં આવે નહીં. (Devendra Fadnavis)

નવી મુંબઈ અને થાણેમાં ભાજપ અને શિવસેના (શિંદે)ના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરતા હોય છે, દેવેન્દ્રનો ઈશારો તેમના તરફ પણ હોવાનું કહેવાય છે. (Mumbai BJP Meeting)

શિંદે ચાલશે પવાર નહીં
ફડણવીસ સહિત રાજ્યના નેતાઓએ મુંબઈ ભાજપ યુનીટ સાથે વાતચીત કરી ત્યારે એક વર્ગ મહાયુતી સાથે મળી ચૂંટણી લડવા પર ભાર મૂકે છે જ્યારે એક વર્ગ માને છે કે ભાજપે એકલા હાથે ચૂંટણી લડવી જોઈએ, પરંતુ એવા ઘણા નેતાઓ છે, જેનું કહેવાનું છે કે એકનાથ શિંદેની શિવસેના સાથે ચૂંટણી લડવામાં વાંધો નથી, પરંતુ અજિત પવારની એનસીપી જોઈતી જ નથી.

આનું એક કારણ એ પણ હોઈ શકે કે એનસીપીની મુંબઈમાં કોઈ હાજરી નથી. જો તેમની સાથે યુતિ થાય તો ઓછી તો ઓછી અમુક બેઠક તેમને આપવી પડે, જે ભાજપને સ્વાભાવિક રીતે મંજૂર નથી. મુંબઈમાં કુલ 227 વૉર્ડ છે અને ભાજપ પાસે એટલા ઈચ્છુકો છે જ કે તેઓ તમામ વોર્ડ પર પોતાના મજબૂત દાવેદારને ઊભા રાખી શકે. યુતિ થવાને લીધે લોકસભા અને વિધાનસભામાં ટિકિટ ન મળવાથી નારાજ નેતાઓને પણ મનાવી શકાશે.

દેવેન્દ્રએ પક્ષની સાથે વાત કરતા તેમને એમ પણ કહ્યું છે કે જે નવા નેતાઓ છે તેમને પક્ષમાં આવકારો અને જૂના નેતાઓ તેમને ટ્રેઈન કરે, તેમની સાથે સ્પર્ધા ન કરે. આમ કહેવાનું એક કારણ એ પણ હોઈ શકે કે રાજ્યની આવનારી સ્વરાજ્યની ચૂંટણીમાં નવા નેતાઓને સ્થાન આપવામાં આવે અને પક્ષ એ રીતે વધારે મોટો અને મજબૂત બનાવવામાં આવે.

આ પણ વાંચો…મહાયુતિ જો બીએમસી ચૂંટણીમાં સત્તા પર આવશે તો ‘જેન ઝી’નો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button