મરાઠીમાં પાટિયા ન લગાડનાર દુકાનો અને સંસ્થાઓ પર ૨૭ નવેમ્બરથી કડક કાર્યવાહીના આદેશ | મુંબઈ સમાચાર

મરાઠીમાં પાટિયા ન લગાડનાર દુકાનો અને સંસ્થાઓ પર ૨૭ નવેમ્બરથી કડક કાર્યવાહીના આદેશ

મુંબઈ: સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં દુકાનો અને સંસ્થાઓના પાટિયા ફરજિયાત મરાઠીમાં હોવા જોઈએ એવો આદેશ જારી કર્યો હતો. અદાલતે ૨૫ નવેમ્બરે ૨૦૨૩ સુધી રાજ્યની દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા લગાડવાની મુદત આપી હતી. અદાલતના આ આદેશનું પાલન ન કરનાર દુકાનો અને સંસ્થાઓ સામે ૨૭ નવેમ્બરથી મુંબઈ મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવવાની છે. આ માટે મુંબઈના ૨૪ વોર્ડમાં અધિકારીઓની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ૨૭ નવેમ્બરથી શરૂ થનારી આ કાર્યવાહીમાં દુકાનો અને સંસ્થાઓ પર મરાઠીમાં પાટિયા ન દેખાતા જવાબદાર વ્યક્તિ સામે બે હજાર રૂપિયા પ્રતિ સ્ટાફ એવો દંડ વસુલકરવામાં આવશે. પાલિકા દ્વારા સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે આ કાર્યવાહી કરતાં પહેલા કોઈ પર પ્રકારની નોટિસ આપવામાં આવશે નહીં તેથી દરેક દુકાનદારોએ જલ્દીથી જલ્દી મરાઠી પાટિયા બેસાડવા એવી સૂચના આપવામાં આવી છે.

પાલિકાના એક અધિકારીએ જણાવ્યુ હતું કે આ મામલે મુંબઈની સાત લાખ જેટલી દુકાનો-સંસ્થાઓ બીએમસીના રેડાર પર છે. માર્ચ ૨૦૨૨ ના રોજ રાજ્યના બજેટ સત્રમાં, દુકાનો-સંસ્થાઓ પર મરાઠી ભાષામાં પાટિયાને ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ ૨૦૧૮માં આ નિયમ ફક્ત એવા દુકાનો પર લાગુ કરવામાં આવ્યો હતો જ્યાં ૧૦ કરતાં ઓછા લોકો કામ કરતો હોય, પણ હેવે આ નિયમમાં ફેરબદલ કરી તે દરેક દુકાનો માટે ફરજિયાત કરવામાં આવ્યો હતો.

આ નિયમ હેઠળ શરાબની દુકાનોને પણ કોઈ મહાન વ્યક્તિ અથવા કિલ્લાના નામે રાખવામા આવે નહીં તેવો આદેશ પણ દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આ નિર્ણયનું અમલીકરણ માટે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગયા વર્ષે અદાલતે ૩૧ મે સુધી દરેક દુકાનો અને સંસ્થાઓ પર મરાઠી પાટિયા લગાડવાનો નિર્દેશ જારી કર્યો હતો. પણ આ મામલે વ્યાપારી સંઘ અદાલતનો દરવાજો ખાકડાવ્યો હતો, ત્યારબાદ અદાલતે ૨૫ નવેમ્બર સુધી આ નિયમનું અમલીકરણ કરવાની સૂચના આપી હતી. તેથી ૨૬ નવેમ્બરે રવિવાર આવવાને લીધે ૨૭ તારીખથી દરેક દુકાનો અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

Back to top button