આમચી મુંબઈમહારાષ્ટ્ર

બાબા સિદ્દિકીની હત્યા: શૂટરો હરિયાણાની જેલમાં બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા

હત્યા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયાની સુપારી. હત્યા અગાઉ મુંબઈ-પુણેમાં ભાડાના ઘરમાં રોકાયા હતા શૂટરો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દિકીની બાંદ્રા વિસ્તારમાં શનિવારે કરાયેલી હત્યામાં સંડોવાયેલા શૂટરો હરિયાણાની જેલમાં લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યોના સંપર્કમાં આવ્યા હતા અને બાદમાં તેમને બાબા સિદ્દિકીની હત્યા માટે અઢીથી ત્રણ લાખ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. હત્યા અગાઉ આરોપીઓ મુંબઈ અને પુણેમાં ભાડાના ઘરમાં રોકાયા હતા અને તેમણે બાબા સિદ્દિકીના ઘર-ઓફિસની રેકી કરી હતી.

આ પણ વાંચો: Baba Siddique Assassination: હત્યા પર રાજકારણ ન કરો: અજિત પવાર

બાબા સિદ્દિકીની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ હરિયાણાના રહેવાસી ગુરમૈલ બલજીત સિંહ અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ કાશ્યપ તરીકે થઇ હતી. આ કેસમાં શિવકુમાર ઉર્ફે શિવાનંદ ગૌતમ અને મોહંમદ જીશાન અખ્તર ફરાર છે. ગૌતમ ત્રણ શૂટરોમાંનો એક હતો, જ્યારે બાબા સિદ્દિકીની હત્યાનો કોન્ટ્રેક્ટ જીશાન અખ્તરને આપવામાં આવ્યો હતો. શિવકુમાર પુણેમાં ભંગારના વેપારીને ત્યાં કામ કરતો હતો. ફરાર આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાન્ચની પંદર ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ ટીમને પુણે, હરિયાણા, દિલ્હી અને ઉજ્જૈન રવાના કરવામાં આવી હોવાનું અધિકારીએ કહ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ પુણેમાં થોડા દિવસો રોકાયા હતા અને ત્યાર બાદ કુર્લા વિસ્તારમાં તેઓ 2 સપ્ટેમ્બરથી ભાડાના ઘરમાં રહેવા લાગ્યા હતા. ઘરનું ભાડું માસિક 14 હજાર રૂપિયા હતું. હત્યા માટે આરોપીઓને અઢીથી ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા, જે તેમણે આપસમાં વહેંચી દીધા હતા. શૂટરોના ભાગે રૂ. 50-50 હજાર આવ્યા હતા. આરોપીઓને બાદમાં શસ્ત્રો પણ પૂરાં પાડવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: ‘સલમાન, દાઉદની મદદ કરે તો હિસાબ ચુકતે કરીશું’: બિશ્નોઈ ગેંગની પોસ્ટથી પોલીસ હરકતમાં

આરોપીઓને ગુનો માટે વાહનો અને શસ્ત્રો કોણે પૂરાં પાડ્યાં હતાં, પૈસા કોણે આપ્યા હતા, ગુનો આચરવા અગાઉ આરોપીઓને કોણે શસ્ત્રો ચલાવવાની તાલીમ આપી હતી, તેની પોલીસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દિકી પર શનિવારે પોતાના બે અંગરક્ષકો સાથે બાંદ્રા પૂર્વમાં નિર્મલનગર ખાતે મીટિંગમાં ગયા હતા. તેઓ રાતે ઘરે આવવા માટે નીકળ્યા ત્યારે ત્રણ અજાણ્યા શખસે બાબા સિદ્દિકી પર પિસ્તોલમાંથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. એ સમયે દશેરા નિમિત્તે ફટાકડા ફૂટી રહ્યા હતા. ગોળીબાર કર્યા બાદ એક શૂટર ફરાર થઇ ગયો હતો, જ્યારે બાકીના બે જણને પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી શસ્ત્રો ઉપરાંત ચાર મોબાઇલ જપ્ત કરવામાં આવ્યાં હતાં. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી ગુરમૈલ વિરુદ્ધ 2019માં પડોશીની હત્યા કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button