એન્ટોપ હિલમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થયેલો શૂટર ડોમ્બિવલીમાં ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક વિવાદમાં એન્ટોપ હિલ પરિસરમાં મિત્ર પર ગોળીબાર કરી ફરાર થઈ ગયેલા શૂટરને ક્રાઈમ બ્રાન્ચે ડોમ્બિવલીથી પકડી પાડ્યો હતો. અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીએ હજુ બે શખસ પર જીવલેણ હુમલાની તૈયારી કરી હતી, એવું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ મંગળવારની વહેલી સવારે વિવેક દેવરાજ શેટ્ટીયાર (26)ને ડોમ્બિવલીમાં કટઈ નાકા સ્થિત કોળેગાંવથી પકડી પાડ્યો હતો. તેની પાસેની સૅક બૅગમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને છ કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. આરોપીએ ગુનો આચરતી વખતે પહેરેલાં કપડાં પણ પોલીસે હસ્તગત કર્યાં હતાં.
અધિકારીના જણાવ્યા મુજબ એન્ટોપ હિલમાં નવતરુણ નાઈક નગર ખાતે રહેતા શેટ્ટીયારે શનિવારની વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ એ જ પરિસરમાં રહેતા મિત્ર આકાશ કદમ પર ગોળીબાર કર્યો હતો. ગોળીબાર પછી શેટ્ટીયાર બાઈક પર ફરાર થઈ ગયો હતો. પેટમાં ગોળી વાગવાને કારણે ગંભીર જખમી કદમને સારવાર માટે સાયન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર એસટીના પ્રવાસીઓ વધ્યા પણ ‘આ’નું જોખમ વધ્યું
પોલીસ તપાસમાં જણાયું હતું કે કદમે આરોપી શેટ્ટીયાર પાસેથી સાત લાખ રૂપિયા ઊછીના લીધા હતા, જે તે પાછા ચૂકવી શક્યો નહોતો. કદમ વિરુદ્ધ પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. આર્થિક વિવાદમાં શેટ્ટીયારે કદમ પર ગોળીબાર કર્યો હોવાનું કહેવાય છે. ગુનામાં કથિત રીતે સંડોવણી સામે આવતાં પોલીસે બે દિવસ અગાઉ શેટ્ટીયારની પત્ની પરવીન અને મિત્ર પરાગ ગોહિલની પણ ધરપકડ કરી હતી.
પકડાયેલા શેટ્ટીયારની પૂછપરછમાં પોલીસે ચોંકવાનારી માહિતી જાણવા મળી હતી. તેણે રેકોર્ડ પરના આરોપી એવા બે મિત્ર પર પણ ગોળીબારની યોજના બનાવી હતી. શેટ્ટીયાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ ઍક્ટ હેઠળ 12 જેટલા ગુના નોંધાયેલા છે. અલગ અલગ કોર્ટે તેની સામે બિનજામીનપાત્ર વૉરન્ટ પણ જારી કર્યા છે. ગોરેગામમાં 2017માં થયેલી હત્યાના કેસમાં શેટ્ટીયારને કોર્ટે સજા ફટકારી હતી. કોરોના મહામારીના સમયગાળામાં તે જેલમાંથી પૅરોલ પર છૂટ્યો હતો. પૅરોલ પત્યા પછી જેલમાં પાછો ફરવાને બદલે તે ફરાર થઈ ગયો હતો.