Alert: નેતાને પાર્સલમાં મળી ચોંકાવનારી વસ્તુઓ, પોલીસે એફઆઈઆર નોંધી હાથ ધરી તપાસ
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સત્તાધારી રાજકીય પક્ષના સ્થાનિક નેતાને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલ ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. પાર્સલમાં કારતુસ સાથે ધમકીભર્યો પત્ર હતો. આ પાર્સલ વાગલે એસ્ટેટ સ્થિત નેતાના જનસંપર્ક કાર્યાલયે પહોંચ્યું હતું. પાર્સલની અંદરથી કારતુસ અને ધમકીભરી ચિઠ્ઠી મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. આ પાર્સલ કોણે મોકલ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: Thane: થાણેમાં કમ્પાઉન્ડ વોલ તૂટી પડતા ૨૦ ટૂ- વ્હીલરને નુકસાન
પોલીસમાં કરાયેલી ફરિયાદ મુજબ જ્યારે નેતાએ પાર્સલ ખોલ્યું તો તેમાં પેન્સિલ શાર્પનરનું બોક્સ હતું. બોક્સની અંદર કપડાના બે ટુકડામાં એક કારતુસ હતી. આ સાથે હિન્દીમાં લખેલી ધમકીભરી ચિઠ્ઠી પણ મળી આવી હતી, જેમાં લખ્યું હતું કે, આ વખતે હું તમારા હાથમાં ગોળી મૂકી રહ્યો છું, બીજી વખત તે તમારા માથામાં હશે. આ માત્ર એક નાની ભેટ છે, બીજી વખતે તે મોટી હશે.
આ ઘટના બાદ નેતાએ તુરંત પોલીસને જાણ કરી હતી, ત્યાર બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. પાર્સલ મોકલનાર વ્યક્તિની શોધ ચાલુ છે, પોલીસ સંભવિત શકમંદોને શોધી રહી છે.
આ પણ વાંચો: થાણેમાં ફ્લેટમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો
લોકોનું કહેવું છે કે આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા માટે પડકાર છે. સ્થાનિક નેતાને મળેલી ધમકી બાદ પોલીસ સુરક્ષાના મુદ્દે વિચાર કરી રહી છે. પોલીસ પાર્સલ મોકલનારની ઓળખ માટે નજીકના સીસીટીવી ફૂટેજ અને અન્ય કડીઓ તપાસી રહી છે. સ્થાનિક આગેવાનને મળેલી ધમકીથી રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેઓ જલ્દી આ કેસના મૂળ સુધી પહોંચી અને આરોપીઓની ધરપકડ કરશે.