Potholes in Mumbai: રસ્તાઓ પર ખાડા માત્ર પાલિકાના વાંકે નહીં આ કારણે પણ પડે છે…

મુંબઇઃ જ્યારે આપણે ફૂટપાથ અથવા રસ્તા પર ખાડો જોઈએ છીએ, ત્યારે આપણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અથવા અન્ય કોઈપણ સત્તાધિકારીઓને દોષ આપવાનું શરૂ કરીએ છીએ, પણ હવેથી જ્યારે તમે ખોદેલી ફૂટપાથ જુઓ, ત્યારે એવું નહી માનો કે તે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અથવા અન્ય કોઈ ઓથોરિટી કરી રહી છે. હાલમાં જ ડો બાબાસાહેબ આંબેડકર રોડના દાદર-માટુંગા સ્ટ્રેચ પર ફૂટપાથ પર ઉખડી ગયેલા પેવર બ્લોક્સ અંગે નિયમિત ફોલો-અપના કારણે સ્થાનિક રહેવાસીઓને ફૂટપાથની નીચે મૂકેલા યુટિલિટી કેબલમાંથી કોપર વાયરની ચોરી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું.
માટુંગા પોલીસે રૂ. 6થી 7 લાખની કિંમતના તાંબાના વાયરની લૂંટ કરવા બદલ પાંચ લોકોની ધરપકડ કરી છે. કોપરની કિંમત રૂ. 845 પ્રતિ કિલો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે માટુંગા, કિંગ્સ સર્કલ, વડાલા અને શિવાજી પાર્ક સહિત અન્ય વિસ્તારોમાં જ્યાં રસ્તાઓ ખોદવામાં આવ્યા છે ત્યાં પણ આવી જ ચોરીઓ થઈ શકે છે.
આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે લોકોએ BMC અધિકારીઓને ફરિયાદ કરી કે કિંગ્સ સર્કલ અને દાદર ટીટી સર્કલ વચ્ચેની બેથી ત્રણ મીટર પહોળી ફૂટપાથ ખૂબ જ આડેધડ રીતે ખોદવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ લગભગ એક પખવાડિયા સુધી ફૂટપાથ પર કામ કર્યું હતું અને તેને સમતળ કરી દીધું હતું. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ બાદ, BMCએ શું થઈ રહ્યું છે તેની તપાસ કરવા માટે તેના સ્ટાફને મોકલ્યો હતો. તેમને જાણવા મળ્યું હતું કે ચોરો ફૂટપાથ નીચે બિછાવેલા આવશ્યક કેબલમાંથી તાંબાના વાયરની ચોરી કરી ગયા હતા. ચોરોએ રાત્રે 11 વાગ્યા પછી ફૂટપાથ ખોદીને કેબલ કાઢીને ચોરીને અંજામ આપ્યો હતો.
આ દરમિયાન સરકારી ટેલિકોમ કંપની MTNL એ પણ દાદર-માટુંગા વિસ્તારમાં તેની 400 થી વધુ ટેલિફોન લાઈનો ટ્રીપ થઈ ગઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવ્યા પછી માટુંગા પોલીસે આ બાબતની તપાસ કરવાનું નક્કી કર્યું હતું અને તપાસમાં જાણવા મળ્યું હતું કે દાદર ટીટી સર્કલની આસપાસના લાખો રૂપિયાના કોપર વાયરની ચોરી થઈ છે. ત્યાર બાદ પોલીસે છટકું ગોઠવીને પાંચ આરોપીની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓ ભંગારના વેપારી છે અને તાંબાના વાયરો વેચવાની યોજના બનાવી હતી.
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ”આરોપીઓ દરરોજ ફૂટપાથનો એક નાનો ભાગ ખોદતા હતા. આ ગુનામાં વધુ લોકો સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે. તેમના અન્ય સાથીદારો પણ હોઇ શકે છે, કારણ કે આખો વિસ્તાર ખોદવો માત્ર પાંચ લોકો માટે શક્ય નથી. અમે તેમની ગેંગના અન્ય લોકોને શોધી રહ્યા છીએ,” એમ માટુંગા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.