શિવસેના (યુબીટી) અને મનસે એમએમઆરમાં સાથે મળીને ચૂંટણી લડે તેવી શક્યતા
ભાજપે મહત્ત્વના નેતાઓને સોંપી જવાબદારીઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઠાકરે પિતરાઈ ભાઈઓ ‘મરાઠી-માનુષ’ના મુદ્દે વ્યાપક રાજકીય સમજણ ધરાવીને સાથે કામ કરી રહ્યા છે, ત્યારે હવે એવું જાણવા મળ્યું છે કે શિવસેના (યુબીટી) અને મનસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ની તમામ નવ કોર્પોરેશનોમાં ગઠબંધનમાં ચૂંટણી લડી શકે છે, આ ઉપરાંત અન્ય ઘણા શહેરોમાં સાથે લડવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મનસે પ્રમુખ રાજ ઠાકરે, મહારાષ્ટ્રમાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ મરાઠી-ભાષા અને મરાઠી-અસ્મિતાના હેતુ માટે રાજ્યભરમાં રાજકીય જોડાણ સાધવા પર કામ કરી રહ્યા છે.
આપણ વાંચો: હિન્દી વિવાદ: કોંગ્રેસે જીઆર પાછો ખેંચવાનું શ્રેય લેવા બદલ ઠાકરે પિતરાઈ ભાઈઓ પર કટાક્ષ કર્યો
એમએમઆરમાં નવ મ્યુનિસિપલ કોર્પોરેશનો મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, ભિવંડી-નિઝામપુર, મીરા-ભાયંદર, વસઈ-વિરાર, નવી મુંબઈ, પનવેલ અને ઉલ્હાસનગરનો સમાવેશ થાય છે. શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આ બાબતની માહિતી આપી હતી.
‘ઠાકરે ભાઈઓ મુંબઈ, થાણે, નાશિક, કલ્યાણ, છત્રપતિ સંભાજીનગર સહિત તમામ સ્થળોએ એકસાથે ચૂંટણી જીતશે,’ તેમણે બેસ્ટ એમ્પ્લોયીઝ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની ચૂંટણી માટે મનસે અને શિવસેના (યુબીટી)ના એક સાથે આવવાની પૃષ્ઠભૂમિમાં કહ્યું હતું કે બેસ્ટ કામગાર સેના 21માંથી 18 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે મનસે કામગાર સેના બે અને બેસ્ટ એસસી/એસટી કર્મચારી કલ્યાણ સંગઠન ગઠબંધનના ભાગ રૂપે એક બેઠક પર ચૂંટણી લડશે.
આપણ વાંચો: ઠાકરે પિતરાઈ ભાઈઓએ એકબીજા સાથે વાત કરવી જોઈએ: અમિત ઠાકરે
અહીં ઉલ્લેખનીય છે કે પ્રતિષ્ઠિત મુંબઈ મનપાની ગયા વખતની સ્થિતિ પર નજર નાખે તો, ઠાકરેના નેતૃત્વ હેઠળની શિવસેના સતત બીએમસીમાં નંબર એક રહી છે -1997 (103 બેઠકો), 2002 (97 બેઠકો), 2007 (84 બેઠકો), 2012 (75 બેઠકો) અને 2017 (84 બેઠકો) પર શિવસેનાએ વિજય મેળવ્યો હતો.
જોકે, 2017ની ચૂંટણીમાં પક્ષની સ્થિતિનું વિગતવાર વિશ્ર્લેષણ દર્શાવે છે કે શિવસેના 84 બેઠકો સાથે આગળ હતી, પરંતુ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (82), કોંગ્રેસ (31), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (9), મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (7), સમાજવાદી પાર્ટી (6), ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (2) અને અન્ય (6) છે. આનો અર્થ એ થાય કે પાલિકાની સત્તામાં ભૂતપૂર્વ સાથી રહેલા શિવસેના અને ભાજપ વચ્ચેનો તફાવત ફક્ત બે બેઠકોનો છે.
આપણ વાંચો: રાજ ઠાકરે પહોંચ્યા માતોશ્રીઃ ઉદ્ધવ ઠાકરેને માત્ર પુષ્પગુચ્છ કે પછી…
જ્યાં સુધી નવ એમએમઆર કોર્પોરેશનોનો સંબંધ છે – શિવસેના (યુબીટી) અને એમએનએસ બંનેની હાજરી જોવા મળે છે, જોકે, ભાજપ અને તેના સાથી પક્ષો બંને ઠાકરે બંધુઓ સાથે આવે એવું માનીને અત્યારથી જ તેમનો સામનો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.
મુંબઈ મનપામાં બંને ઠાકરે બંધુઓનો સામનો કરવાની જવાબદારી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના ખાસ વિશ્ર્વાસુ પ્રવીણ દરેકર અને પ્રસાદ લાડને સોંપી છે, જેઓ અત્યારે બેસ્ટની ક્રેડિટ સોસાયટીમાં બંને ઠાકરેની યુતિનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારને પણ મહત્ત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
ભાજપના પ્રદેશાધ્યક્ષ રવીન્દ્ર ચવાણ કલ્યાણ-ડોંબિવલી અને ભિવંડીમાં ઠાકરે બંધુઓની યુતિને ખાળવાનો પ્રયાસ કરશે. થાણેમાં એકનાથ શિંદે બંને ઠાકરેઓનો પડકારનો સામનો કરશે અને નવી મુંબઈમાં ગણેશ નાઈકે મોરચો સંભાળ્યો છે.