બિગ બૉસ OTT 3 સામે મહિલા નેતાએ બાંયો ચડાવી, કેન્દ્ર સુધી કરશે ફરિયાદ
મુંબઈઃ OTT 3 પર આવતા બિગ બૉસ શૉ વિરુદ્ધ શિવસેનાના મહિલા નેતા નેતા ડૉ. મનીષા કાયંદેએ બાંયો ચડાવી છે. તેઓ મુંબઈ પોલીસ કમિશનર વિવેક ફણસળકર પાસે બિગ બૉસ OTT 3 વિરુદ્ધ ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તેમણે OTT શો બિગ બોસ 3 સામે પોલીસ કમિશનર પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.
મીડિયા સાથે વાત કરતા ડૉ.મનીષા કાયંદેએ કહ્યું કે બિગ બોસ 3 એક રિયાલિટી શો છે. તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શોમાં સંપૂર્ણ અશ્લીલતા ચાલી રહી છે અને તે બતાવવામાં પણ આવી રહી છે. તેણે કહ્યું કે આ શોમાં એક YouTube ઈન્ફ્લુઅન્સર પણ ભાગ લઈ રહ્યો છે. હવે તેણે અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી છે. શોમાં આવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે અમે આ મામલે મુંબઈ પોલીસને પત્ર આપ્યો છે અને તેમને આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે. રિયાલિટી શોના નામે અશ્લીલતા બતાવવી કેટલી વાજબી છે? આ કેટલું યોગ્ય છે? તે યુવાનોના મન પર કેવી અસર કરે છે?, વગેરે સવાલો તેમણે કર્યા હતા.
ડૉ. મનીષા કાયંદેએ કહ્યું કે અમે આ બાબતે કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રીનો સંપર્ક કરીશું અને તેમને સંસદના વર્તમાન સત્રમાં OTT પ્લેટફોર્મ વિરુદ્ધ કાયદો લાવવા વિનંતી કરીશું. અમે મુંબઈ પોલીસને બિગ બોસ ઓટીટી કલાકારોની ધરપકડ કરવા અને શોના સીઈઓની ધરપકડ કરવા કહ્યું છે.