આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં 35 ફૂટ શિવાજીની પ્રતિમા તૂટી પડી, વિપક્ષના શિંદે સરકાર પર પ્રહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા સોમવારે તૂટી પડી હતી અને આ મુદ્દે વિપક્ષી નેતાઓએ રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા.
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં સોમવારે છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા તૂટી પડી હતી, એવી માહિતી એક અધિકારીએ આપી હતી. 35 ફૂટની આ પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માલવણમાં રાજકોટના કિલ્લા પર કરવામાં આવ્યું હતું અને 26 ઓગસ્ટે બપોરે 1 વાગ્યે આ પ્રતિમા તૂટી પડી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ગયા વર્ષે 4 ડિસેમ્બરે નેવી ડે નિમિત્તે મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું, ત્યારબાદ તેમણે રાજકોટના કિલ્લામાં ઉત્સવમાં ભાગ લીધો હતો.

આ ઘટના બાદ વિરોધ પક્ષોએ રાજ્ય સરકારની ટીકા કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેણે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું છે. પ્રતિમા તૂટી પડવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અહેવાલ સૂચવે છે કે શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ અને તોફાની પવનને કારણે થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સ્થળ પર પહોંચી ગયા છે અને નુકસાનની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં વિપક્ષી નેતાઓએ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકાર પર કામની નબળી ગુણવત્તા માટે આકરા પ્રહારો કર્યા હતા.

પ્રતિમાના પતન માટે રાજ્ય સરકાર જવાબદાર: જયંત પાટીલ
એનસીપી (એસપી)ના પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રધાન જયંત પાટીલે જણાવ્યું હતું કે, પ્રતિમાના પતન માટે રાજ્ય સરકાર જવાબદાર છે, કારણ કે તેમણે યોગ્ય કાળજી લીધી ન હતી. સરકારે કામની ગુણવત્તા પર ઓછું ધ્યાન આપ્યું હતું. તે માત્ર એક ઇવેન્ટ યોજવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રતિમાના અનાવરણ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, આ મહારાષ્ટ્ર સરકાર ફક્ત નવા ટેન્ડર બહાર પાડે છે, કમિશન સ્વીકારે છે અને તે મુજબ કોન્ટ્રાક્ટ આપે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે મહિલા ઉત્પીડનની ફરિયાદો ઓનલાઈન નોંધાવવાની છૂટ આપવાનો નિર્ણય લીધો: અજિત પવાર

સરકાર જવાબદારીથી ભાગી રહી છે: વૈભવ નાઈક
શિવસેના (યુબીટી) વિધાનસભ્ય વૈભવ નાઈકે જવાબદારી ટાળવા બદલ સરકારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, રાજ્ય સરકાર જવાબદારીથી ભાગવાનો પ્રયાસ કરી રહી છે. પ્રતિમાના નિર્માણ અને સ્થાપન કરવા માટે જવાબદાર લોકોની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

અહીં નવી પ્રતિમા સ્થાપિત કરવા પ્રતિબદ્ધ: કેસરકર
પ્રતિમા તુટી પડવા અંગે મહારાષ્ટ્રના પ્રધાન દીપક કેસરકરે જણાવ્યું હતું કે, મારી પાસે આ ઘટના અંગેની તમામ વિગતો અત્યારે નથી. જો કે, એ નોંધવું અગત્યનું છે કે પીડબ્લ્યુડી ખાતાના પ્રધાન રવીન્દ્ર ચવ્હાણ સિંધુદુર્ગ જિલ્લાના પાલક પ્રધાન પણ છે અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવશે.

અમે એ જ સ્થાન પર નવી પ્રતિમા ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છીએ. વડા પ્રધાન મોદી દ્વારા અનાવરણ કરાયેલી આ પ્રતિમા દરિયાઈ કિલ્લાના નિર્માણમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્વપ્નદ્રષ્ટા પ્રયાસોને અંજલી છે. અમે આ બાબતને તાત્કાલિક અને અસરકારક રીતે ઉકેલવા માટે તમામ જરૂરી પગલાં લઈશું, એમ પણ કેસરકરે કહ્યું હતું.

વડા પ્રધાનની દેખાડો કરવાની વૃત્તિ નડી ગઈ: એનસીપી-એસપી
વડા પ્રધાનની દેખાડો કરવાની વૃત્તિ નડી ગઈ છે, તેમના દ્વારા અનાવરણ કરવામાં આવેલી પ્રતિમા આઠ મહિનામાં તૂટી પડી છે. રાજાની પ્રતિમા નહીં, મહારાષ્ટ્ર ધર્મ તૂટી પડ્યો છે, એવી ટીકા એનસીપી શરદ પવાર જૂથ દ્વારા કરવામાં આવી હતી.

આ છત્રપતિ શિવાજીનું અપમાન: સુપ્રિયા સુળે
એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે આ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન છે. આ કામ હલકી ગુણવત્તાનું થયું હતું તે સ્પષ્ટ થયું છે. આ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સામાન્ય જનતા સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે.

ભૂતપૂર્વ વિધાનસભ્ય પરશુરામ ઉપરકરે કહ્યું હતું કે આ કામ સામે અમે પહેલેથી જ શંકા ઉપસ્થિત કરી હતી. હવે પ્રતિમા તૂટી પડ્યા બાદ આખા પ્રકરણની તપાસ થવી જોઈએ.

અમે પ્રતિમા બદલવાની માગણી કરી હતી: સંભાજીરાજે
છત્રપતિ શિવાજી મહારાજના વંશજ અને ભૂતપૂર્વ સંસદ સભ્ય સંભાજીરાજે છત્રપતિએ સરકારના કામ પર ટીકા કરતાં કહ્યું હતું કે આ પ્રતિમા અત્યંત ઉતાવળે ઊભી કરવામાં આવી હતી. આ પ્રતિમા આકારહીન અને શિલ્પશાસ્ત્રને અનુરુપ પણ નહોતી. આથી અમે આ પ્રતિમા બદલવાની માગણી પણ કરી હતી. સરકારે અમારી માગણીઓ પ્રત્યે આંખઆડા કાન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button