ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણની મારપીટ કર્યાનો શિવાજી નગર પોલીસ પર આરોપ
મુંબઈ: ગોવંડીમાં શિવાજી નગર પોલીસે ચોરીની શંકા પરથી ચાર કિશોરી સહિત પાંચ જણને તાબામાં લીધા બાદ તેમની બેરહેમીથી મારપીટ કર્યાનો આરોપી બિનસરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા કરવામાં આવ્યો છે. પાંચેય જણને હાથ, પીઠ અને પગના તળિયામાં પટ્ટા અને દંડાથી માર મારવામાં આવ્યો હતો.
એક કિશોરીને કાન નજીક ઇજાના નિશાન છે, જ્યારે અન્યને ખભામાં ઇજા થઇ છે. તો સગીરને પગના તળિયામાં માર મારવામાં આવ્યો છે. જોકે પોલીસે આ આરોપ નકારી કાઢ્યા છે અને તેના સમર્થનમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ છે, એવો દાવો કર્યો છે.
એનજીઓના સભ્યોએ દાવો કર્યો છે કે પાંચેય જણની તબીબી તપાસ કરવામાં આવી છે અને આ મામલો ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. કમિટીએ પોલીસ પાસે ખુલાસો માગ્યો છે અને આખી ઘટનાનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે.
શિવાજી નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાબુરાવ દેશમુખે કહ્યું હતું કે અમે કમિટીને સીસીટીવી કેમેરાના ફૂટેજ સુપરત કરીશું. પાંચેય જણને તેમના વાલીઓ સાથે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા અને તેમની હાજરીમાં પૂછપરછ કરાઇ હતી. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી અમારી પાસે પુરાવા છે.
પોલીસે જણાવ્યું હતું કે 8 માર્ચે એક મહિલાએ આવીને ફરિયાદ કરી હતી કે તે એ વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી ત્યારે તેનું પર્સ ગુમ થયું હતું, જેમાં રૂ. 70 હજાર હતા.
પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તપાસતાં તેમાં ઘટના સમયે કેટલાક યુવાનો ત્યાં હાજર હોવાનું જણાયું હતું. પોલીસે બાદમાં 11થી 15 વર્ષની વયના પાંચ જણને તથા એ વિસ્તારની 20 વર્ષની મહિલાને તાબામાં લઇને તેમની પૂછપરછ કરી હતી. જોકે એનજીઓના સભ્યોએ પૂછપરછ સમયે વાલીઓ હાજર નહોતા, એવો આરોપ કર્યો હતો, જેનો પોલીસે ઇનકાર કર્યો છે.