ફડણવીસ, પર્વતારોહકોએ શિવાજી મહારાજના કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાનનું સ્વાગત કર્યું
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં 12 કિલ્લાઓનો સમાવેશ કરવાનો નિર્ણય પેરિસમાં યોજાયેલી વર્લ્ડ હેરિટેજ કમિટી (ડબ્લ્યુએચસી)ના 47મા સત્ર દરમિયાન લેવામાં આવ્યો હતો.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજના કાળના 12 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન આપવાના પગલાંનું તમામ ક્ષેત્રો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેને રાજ્ય માટે ‘ગર્વ અને ગૌરવપૂર્ણ ક્ષણ’ ગણાવી છે.
પેરિસમાં યોજાયેલ વર્લ્ડ હેરિટેજ કમિટી (ડબ્લ્યુએચસી)ના 47મા સત્ર દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટ માટે મરાઠાઓના 12 કિલ્લાઓને નોમિનેટ કર્યા હતા.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં ‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’માં મહારાષ્ટ્રમાં સાલ્હેર, શિવનેરી, લોહગઢ, ખંડેરી, રાયગઢ, રાજગઢ, પ્રતાપગઢ, સુવર્ણદુર્ગ, પન્હાલા, વિજય દુર્ગ અને સિંધુદુર્ગ અને તમિલનાડુમાં જિંજી કિલ્લાઓનો સમાવેશ થાય છે.
‘મહારાષ્ટ્ર સરકાર આપણા પ્રિય છત્રપતિ શિવાજી મહારાજને વંદન કરે છે!! મહારાષ્ટ્રના તમામ નાગરિકો અને શિવભક્તોને હાર્દિક અભિનંદન,’ એમ ફડણવીસે એક્સ પરની એક પોસ્ટમાં કહ્યું હતુું.
‘મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપણા મહાન રાજા, છત્રપતિ શિવાજી મહારાજના 12 કિલ્લાઓનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ’ એમ તેમણે કહ્યું હતું.ફડણવીસે ઉમેર્યું હતું કે, શિવાજી મહારાજે આ કિલ્લાઓ ‘સ્વરાજ્ય’ (સાર્વભૌમ રાજ્ય) માટે બનાવ્યા હતા.
મુખ્યપ્રધાને કહ્યું હતું કે, યુનેસ્કોની યાદીમાં સમાવેશ કરવાના પ્રયાસોમાં ઘણા લોકોએ યોગદાન આપ્યું છે. ‘સૌ પ્રથમ, હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માગું છું. તેમણે આપેલો ટેકો અને કેન્દ્ર સરકારની સક્રિય ભાગીદારી ખૂબ જ મૂલ્યવાન હતી.
આપણ વાંચો: આસામનું ‘મોઇદમ’ યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ, શું કહ્યું જાણો સીએમે?
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયે આમાં ઘણી મદદ કરી. મેં વ્યક્તિગત રીતે વિવિધ રાજદૂતોનો સંપર્ક કર્યો હતો. મારા સાથીઓ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે પણ સમયાંતરે ટેકો આપ્યો હતો. પ્રધાન આશિષ શેલાર વ્યક્તિગત રીતે યુનેસ્કોના ડાયરેક્ટર જનરલને મળ્યા હતા. તેમણે ત્યાં ટેકનિકલ પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું,’ એમ ફડણવીસે કહ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે આ રાજ્ય માટે ખૂબ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અને ગર્વનો વિષય છે. આ કિલ્લાઓ, જેમાં તમિલનાડુનો જિંજી કિલ્લો પણ શામેલ છે, એ છત્રપતિ શિવાજી મહારાજ અને મરાઠા યોદ્ધાઓની બહાદુરી, બલિદાન અને દીર્ઘ દ્રષ્ટિના સાક્ષી છે અને હવે તેમનો વારસો વૈશ્ર્વિક સ્તરે દ્રષ્ટિગોચરતા અને આદર મેળવશે, એમ પવારે જણાવ્યું હતું.
તેમણે વારસાની યાદીમાં સ્થાન મેળવવાની પ્રક્રિયામાં સક્રિય સમર્થન બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
પવારે મહારાષ્ટ્રના લોકોને રાજ્યભરના તમામ કિલ્લાઓના જતન અને સંરક્ષણ માટે નવી પ્રતિજ્ઞા લેવા પણ વિનંતી કરી હતી.
મહારાષ્ટ્રના પર્વતારોહકોએ જણાવ્યું હતું કે યુનેસ્કોની વૈશ્ર્વિક વારસા યાદીમાં આ કિલ્લાઓનો સમાવેશ થવાથી આ સ્થાપત્યોના સંરક્ષણના પ્રયાસોને વેગ મળશે, જેણે શિવાજી મહારાજની ગેરિલા યુદ્ધ પદ્ધતિમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
પર્વતારોહકો અને કિલ્લા પ્રેમીઓના સમૂહ અખિલ મહારાષ્ટ્ર ગિર્યાંરોહણ મહાસંઘે વર્લ્ડ હેરિટેજ કમિટીના ‘મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સ’નું પ્રતિનિધિત્વ કરતા 12 કિલ્લાઓનો સમાવેશ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.
‘યાદીમાં સમાવેશનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે હવે આવા સ્થળોની જાળવણીનું સંચાલન કરતા (યુનેસ્કો દ્વારા નિર્ધારિત) નિયમો આ કિલ્લાઓ પર લાગુ થશે. તે સંરક્ષણના પ્રયાસોમાં મદદ કરશે,’ એમ એસોસિએશનના કાર્યકારી પ્રમુખ હૃષિકેશ યાદવે જણાવ્યું હતું.