‘મુંબઈમાં સૌથી વધુ બેઠકો અમને જ’: ઠાકરે જૂથના નેતાએ કહી મોટી વાત…
મુંબઈ: બેઠકોની વહેંચણી અને મુખ્ય પ્રધાનપદના મુદ્દાને લઇને મહાવિકાસ આઘાડીમાં ફૂટ પડી હોવાના અહેવાલોને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઇએ રદીયો આપ્યો હતો અને કહ્યું હતું કે વિરોધ પક્ષના સાથી પક્ષોમાં કોઇ જ મતભેદ નથી.
જોકે, બેઠકોની વહેંચણીનો નિર્ણય લેતા વખતે જીતની શક્યતાને જરૂર ધ્યાનમાં લેવામાં આવશે, એમ દેસાઇએ જણાવ્યું હતું.
મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી સરળ રીતે થઇ રહી હોવાનું જણાવતા દક્ષિણ-મધ્ય બેઠકના સાંસદ દેસાઇએ જણાવ્યું હતું કે ઠાકરે જૂથ મુંબઈમાં સૌથી વધુ બેઠકો પરથી ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈને શિવસેનાનો ગઢ માનવામાં આવે છેે. આ વિશે દેસાઇને પૂછાતા તેમણે કહ્યું હતું કે મુંબઈ શિવસેનાનો ગઢ છે અને ભવિષ્યમાં પણ રહેશે. મુંબઈ જ નહીં, એમએમઆર(મુંબઈ મેટ્રોપોલિટન રિજન), કોંકણ અને રાજ્યના અન્ય ભાગ પણ શિવસેનાના ગઢ જ છે. તેથી મુંબઈમાં સૌથી વધુ બેઠક પરથી શિવસેના જ લડશે.
દેસાઇએ જણાવ્યા મુજબ મહાવિકાસ આઘાડીમાં કોઇ એક ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડવા વિશે કોઇ ખેંચતાણ નથી થઇ રહી.
છેલ્લાં ઘણા સમયથી મહાવિકાસ આઘાડીમાં ઠાકરે જૂથ, કોંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે ખેંચતાણ થઇ રહી હોવાના અહેવાલો ફરતા થયા હતા, જેની સ્પષ્ટતા કરતા દેસાઇએ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડીમાં બધું જ હેમખેમ છે.
બેઠકોની વહેંચણી છેલ્લાં તબક્કામાં છે અને ટૂંક સમયમાં એ વિશે નિર્ણય લઇને લોકોની સમક્ષ જાહેરાત કરવામાં આવશે. જીતવાની શક્યતા વધુ હોય એ પક્ષને અને એ ઉમેદવારને પસંદ કરીને ચૂંટણીમાં ઉતારવામાં આવશે અને બેઠકોની વહેંચણી થશે, એમ દેસાઇએ વધુમાં કહ્યું હતું.