નીતિ આયોગમાં શિંદે સેનાના પ્રધાનનો સમાવેશ નહીં, શિવસેના (યુબીટી) એ ટીકા કરી
મુંબઈ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નીતિ આયોગનું પુનર્ગઠન કરતી વખતે એનડીએના ઘટકપક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પક્ષને સ્થાન આપવામાં આવ્યું ન હોવા બાબતે શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ શિંદે સેનાની ટીકા કરી હતી.
પુનર્ગઠિત નીતિ આયોગમાં શિંદે સેના માટે કોઈ કામ નથી. આના પરથી સમજી શકાય કે મહત્ત્વના વિષયો પર નિર્ણય લેવાની તાકાત ધરાવતા નીતિ આયોગમાં શિંદે સેનાને કોઈ સ્થાન નથી.
આ પણ વાંચો: SDG report: નીતિ આયોગના અહેવાલમાં ક્યાં છે ગુજરાત અને મહારાષ્ટ્ર
નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારે મંગળવારે નીતિ આયોગની પુન:રચના કરી હતી જેમાં ચાર પૂર્ણ-સમયના સભ્યો અને 15 કેન્દ્રીય પ્રધાનો જેમાં ભાજપના સહયોગીઓનો સમાવેશ થાય છે કાં તો હોદ્દેદાર સભ્યો અથવા વિશેષ આમંત્રિતો છે.
કેન્દ્રીય આયુષ રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) પ્રતાપરાવ જાધવ આરોગ્ય મંત્રાલયના પણ રાજ્યકક્ષાના પ્રધાનને પુનર્ગઠિત સમિતિમાં સ્થાન મળ્યું નથી.
જાધવ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના સાથે જોડાયેલા છે જે ભાજપના સહયોગી છે.
2015માં જ્યારે મોદી સરકારે 65 વર્ષ જૂના પ્લાનિંગ કમિશનને રદ્દ કરવાનો નિર્ણય લીધો ત્યારે ‘નીતિ આયોગ’ તરીકે જાણીતી નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નીતિ આયોગે આપ્યા સારા સમાચાર, દેશમાં ગરીબી ઘટી, સમૃદ્ધિ વધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અધ્યક્ષ તરીકે યથાવત છે અને અર્થશાસ્ત્રી સુમન કે બેરી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે ચાલુ રહેશે.
પુનર્ગઠિત નીતિ આયોગમાં વિશેષ આમંત્રિતોમાં કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી (રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે), જગત પ્રકાશ નડ્ડા (સ્વાસ્થ્ય), એચડી કુમારસ્વામી (ભારે ઉદ્યોગ અને સ્ટીલ), જીતન રામ માંઝી (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), રાજીવ રંજન સિંઘ ઉર્ફે લલન સિંઘ (માછીમારી, પશુપાલન અને ડેરી)ને સ્થાન આપવામાં આવ્યું છે.
અન્ય વિશેષ આમંત્રિતોમાં કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર (સામાજિક ન્યાય અને અધિકારિતા), કિંજરાપુ રામમોહન નાયડુ (નાગરિક ઉડ્ડયન), જુઆલ ઓરમ (આદિજાતિ બાબતો), અન્નપૂર્ણા દેવી (મહિલા અને બાળ વિકાસ), ચિરાગ પાસવાન (ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ) અને રાવ ઇન્દ્રજીત સિંહ છે.
કુમારસ્વામી એનડીએના ભાગીદાર જેડી-એસના છે, માંઝી હિન્દુસ્તાની આવામ મોરચાના છે, રાજીવ રંજન સિંહ જેડી(યુ)ના છે, નાયડુ ટીડીપીના છે અને પાસવાન લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના છે. (પીટીઆઈ)