એમવીએમાં ભંગાણના એંધાણ?
પહેલાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અલગ લડવાની વાત અને હવે ફડણવીસ પર પ્રશંસાના ફૂલો વરસાવીને સંજય રાઉત શું વ્યક્ત કરી રહ્યા છે?
નાગપુર: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે નાગપુરમાં મોટી જાહેરાત કરી અને કહ્યું હતું કે શિવસેના (યુબીટી) રાજ્યની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પોતાના દમ પર લડશે. આની સાથે જ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની મોંફાટ પ્રશંસા કરી હતી. 2019માં બંને પક્ષોની યુતિ મુખ્ય પ્રધાનને મુદ્દે તુટ્યા બાદ પહેલી વખત સંજય રાઉતે જાહેરમાં ફડણવીસની પ્રશંસા કરી હોવાથી હવે અનેક અટકળો લાગી રહી છે, જેમાં એમવીએ ભંગાણ તરફ આગળ વધી રહ્યું હોવાનો પણ સમાવેશ થાય છે.
ગઢચિરોલીમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની પ્રશંસા કરતાં સંજય રાઉતે નાગપુરમાં કહ્યું હતું કે વિપક્ષે સરકારના સારા કામને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.
સંજય રાઉતને મ્યુનિસિપલ ચૂંટણીઓ વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે, ‘અમે સીધી લડાઈ લડીશું, પણ અમારી પોતાની તાકાત પર.’ શિવસેનાના સાંસદ સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે, ‘મુંબઈથી નાગપુર સુધી, મ્યુનિસિપલ ચૂંટણીઓ અમારા પોતાના દમ પર લડીશું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રની ખાલીખમ તિજોરી ભરવા દારૂ મોંઘો કરવાની તૈયારી!
અમે મુંબઈ અને નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનો સામે અમારી પોતાની તાકાત પર લડીશું.’
મુખ્ય પ્રધાન ફડણવીસની પ્રશંસા કરતા સંજય રાઉતે કહ્યું, ‘એ સાચું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં હંમેશા પરંપરા અને સંસ્કૃતિનું પાલન કર્યું છે. વિપક્ષે સરકારના સારા કાર્યને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવું જોઈએ.
તેથી જ અમે તેમના કાર્યની પ્રશંસા કરી છે. ગઢચિરોલીમાં દેવેન્દ્ર ફડણવીસે સારી શરૂઆત કરી છે, મહારાષ્ટ્રમાં એક પરંપરા છે કે રાજકારણ વ્યક્તિગત દુશ્મનાવટ વિના કરવું જોઈએ, પરંતુ એ સ્વીકારવું પડશે કે ભાજપે કમનસીબે તે પરંપરાનું ઉલ્લંઘન કર્યું હતું. તેમણે તેમના રાજકીય હરીફો સામે ખોટા કેસ દાખલ કર્યા હતા. તેમણે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કર્યો હતો.
ભાજપ સાથેની મિત્રતા અંગે રાઉતે કહ્યું હતું કે, ‘કોઈ કાયમી દુશ્મન નથી હોતો અને કોઈ કાયમી મિત્ર નથી હોતો. અમે 25 વર્ષથી મિત્રો હતા. અમે ભાજપના સૌથી વિશ્ર્વસનીય મિત્રો હતા, પરંતુ હવે કોઈ મિત્રો નથી. મહારાષ્ટ્રમાં ઘણા દિગ્ગજ નેતાઓ હતા જેમણે ક્યારેય બદલાની રાજનીતિ કરી નથી. જો તેઓ વાતાવરણ સંતુલિત કરશે, તો અમે તેમનું સ્વાગત કરીશું.’