સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઠાકરે જૂથના સ્વબળના વલણ પાછળ શું કારણ છે?
વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને એમવીએ સાથેના સંબંધો તોડીને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનું વિચારવા કહ્યું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર પછી મહા વિકાસ આઘાડી (એમવીએ)નો શું ફાયદો છે? શિવસેના (યુબીટી)ના કાર્યકરો દ્વારા આ પ્રશ્ર્ન પૂછવામાં આવી રહ્યો છે. આ પછી તેના કાર્યકરોના વધતા દબાણ હેઠળ શિવસેના (યુબીટી)એ ગયા અઠવાડિયામાં બે વખત એવી જાહેરાત કરી છે કે તે તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પોતાના દમ પર લડશે. આમાં શિવસેના (યુબીટી) માટે પ્રતિષ્ઠિત મુંબઈ મનપાની ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : માસ્ટર લિસ્ટ પરના પાત્ર ભાડૂતોના વારસોને ફ્લેટનો શરતી તાબો મળશે: મ્હાડાનો નિર્ણય
વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ, પાર્ટીના નેતાઓએ ઉદ્ધવ ઠાકરેને મહા વિકાસ આઘાડી સાથેના સંબંધો તોડીને સ્વ બળે ચૂંટણી લડવાનું વિચારવા કહ્યું હતું. વિધાનસભાના પરિણામોના બે દિવસ પછી યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટાભાગના વિધાનસભ્યોએ ઠાકરેને એમવીએથી અલગ થવાની વિનંતી કરી હતી.
આ વિધાનસભ્યો અને નેતાઓએ એવી દલીલ કરી હતી કે મહાવિકાસ આઘાડી છોડવાથી પાયાના કાર્યકરો સાથે સંપર્ક ફરીથી સ્થાપિત કરવામાં મદદ મળશે અને તેમને શિંદે સેનામાં જોડાતા રોકી શકાશે.
શિવસેના ત્રીસ વર્ષથી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર સત્તામાં છે. આ નેતાઓ માને છે કે જો આ મહત્વપૂર્ણ ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપી (એસપી)થી અલગ થઈ જાય, તો તે ભાજપ અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાને રોકવામાં મદદ કરશે.
સંજય રાઉતે નાગપુરમાં આત્મનિર્ભરતાનો નારો આપ્યો હોવા છતાં, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મહા વિકાસ આઘાડીથી અલગ નહીં થાય. તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘આપણા કાર્યકરોને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી નહીં. આનાથી પાર્ટીનો વિકાસ રૂંધાયો. પક્ષને મજબૂત બનાવવા માટે, હવે મ્યુનિસિપલ, જિલ્લા પરિષદની ચૂંટણીઓ સ્વતંત્ર રીતે લડવાનો નિર્ણય લીધો છે.’
‘વિધાનસભા ચૂંટણી પછી, ઘણા નેતાઓએ એવી લાગણી વ્યક્ત કરી હતી કે જો અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હોત, તો 20થી વધુ બેઠકો જીતી શક્યા હોત,’ એમ દક્ષિણ મુંબઈના શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંતે જણાવ્યું હતું.
કોંગ્રેસ-એનસીપી શું કહે છે?
શિવસેના (યુબીટી)ની જાહેરાત બાદ રાજ્ય કોંગ્રેસે સાવધાનીપૂર્વક પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે અમારા કાર્યકરોમાં પણ સ્વતંત્ર રીતે લડવાની ભાવના છે.
સંજય રાઉત પાર્ટીના પ્રમુખ નથી. જો ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી હોત, તો અમે તેનો જવાબ આપ્યો હોત. એમ મુંબઈ કોંગ્રેસના પ્રમુખ અને લોકસભા સાંસદ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘અમારું માનવું છે કે આવા નિવેદનો જાહેરમાં ન કરવા જોઈએ અને તેના બદલે, પહેલા વરિષ્ઠ નેતાઓ વચ્ચે ચર્ચા થવી જોઈએ.’
દરમિયાન, મહાવિકાસ આઘાડીમાં સામેલ અન્ય એક ઘટક પક્ષ, એનસીપી (એસપી)એ કહ્યું છે કે તેમનું રાજ્ય નેતૃત્વ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ અંગેના નિર્ણયોમાં દખલ કરતું નથી, અને તેમની જિલ્લા સમિતિઓ નિર્ણય લેશે.
આ પણ વાંચો : શરદ પવાર હોશિયાર છે, રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી; ફડણવીસનું સૂચક નિવેદન…
એનસીપીના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું કે, ‘અમે સ્થાનિક સ્તરે શું થઈ રહ્યું છે તેની માહિતી મેળવી રહ્યા છીએ અને સ્થાનિક નેતાઓને નિર્ણયો લેવા માટે સશક્ત બનાવી રહ્યા છીએ. યુપીએ-1 અને યુપીએ-2 દરમિયાન, કોંગ્રેસ અને એનસીપીએ મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અલગથી લડી હતી એ વાત પણ તેમણે યાદ અપાવી હતી.