અમિત શાહનું રાજીનામું માગવાનું હતું, પણ… : સંજય રાઉત

મુંબઈ: ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પહલગામ આતંકવાદી હુમલાને પગલે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહનાં રાજીનામાની માગણી કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આ વલણથી અન્ય વિરોધ પક્ષોને અગવડ પડશે એવું માનીને ઇરાદાપૂર્વક હાજરી આપવાનું ટાળ્યું હતું એમ શિવસેના (યુબીટી)ના સાંસદ સભ્ય સંજય રાઉતે જણાવ્યું હતું.
સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુને લખેલા પત્રમાં શિવસેના (યુબીટી)ના સાંસદ અરવિંદ સાવંતે સંજય રાઉત અને સાવંતએ સંસદીય કામ માટે મુસાફરી કરવાની હોવાથી 24 એપ્રિલની બેઠકમાં ભાગ લેવા માટે પક્ષ અસમર્થ હોવાનું જણાવ્યું હતું. જોકે, સોમવારે સંજય રાઉતે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારના એક પ્રશ્નના જવાબમાં બેઠક ટાળવાનું ‘અસલી’ કારણ જાહેર કર્યું હતું.
આ પણ વાંચો પહલગામ આતંકવાદી હુમલામાં જોવા મળી ‘હમાસ’ની પેટર્નઃ સુરક્ષા એજન્સીનો દાવો
રાઉતે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ‘મેં તેમને (પવારને) કહ્યું હતું કે જો અમે (સેના-યુબીટી) સર્વપક્ષીય બેઠકમાં ભાગ લીધો હોત તો અમે પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં રાજીનામાની માગણી કરી હોત, અને આનાથી તમે (વિપક્ષ) અગવડમાં મુકાઈ ગયા હોત કારણ કે તમે સરકારને ટેકો આપી રહ્યા હતા.’
(પીટીઆઈ)