મરાઠવાડામાં પૈસા લઈને શિવસેના યુબીટીએ વિધાનસભાની ઉમેદવારી આપી: શિરસાટ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)માં પદ મેળવવા માટે બે મર્સિડિઝ આપવી પડે એવા નીલમ ગોરેના ગંભીર આરોપો બાદ હવે શિંદે સેનાના નેતાએ શિવસેના યુબીટીના નેતૃત્વ પર એવો આરોપ લગાવ્યો છે કે મરાઠવાડામાં વિધાનસભાની ઉમેદવારી આપવા માટે પૈસા લેવામાં આવ્યા હતા.
Also read : મુંબઈના રેલવે સ્ટેશનો પરની પાણીની પરબ ક્યાં થઈ ‘ગાયબ’: પ્રવાસીઓ ‘તરસ્યા’?
શિવસેનાના નેતા અને રાજ્યના પ્રધાન સંજય શિરસાટે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)એ મરાઠવાડામાં પૈસા લઈને વિધાનસભાની ટિકિટો આપી હતી.
તેમણે કહ્યું હતું કે શિવસેના યુબીટીએ વિધાનસભાની ચૂંટણીમાં જે-જે લોકોને ઉમેદવારી આપી હતી, તેમને જઈને પૂછો કે તેમની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા હતા? હું ફક્ત મારા જિલ્લાનું કહું છું. વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના યુબીટીએ મારી સામે જેને ઉમેદવારી આપી હતી તેને પાર્ટીમાં પ્રવેશ કરીને તેને ફક્ત આઠ જ દિવસ થયા હતા. આમ છતાં શિવસેના યુબીટીએ તેને ઉમેદવારી આપી હતી. પછી 25-30 વર્ષથી પાર્ટી માટે જેમણે કામ કર્યું તેમને ઉમેદવારી કેમ ન આપી? અને જેને ઉમેદવારી આપી હતી તે અત્યારે ક્યાં છે તેની કોઈ પાસે જાણકારી છે?
શિંદે સેનાના નેતાએ કહ્યું હતું કે વૈજાપુર વિધાનસભા મતદારસંઘમાં ઠાકરે જૂથે એક વેપારીને ઉમેદવારી આપી હતી. આ વેપારીએ ઉમેદવારી મેળવીને ચૂંટણી લડી અને આજે તે ભાજપમાં જતા રહ્યા છે. સિલ્લોડનો ઉમેદવાર પહેલાં ભાજપમાં હતો, ચૂંટણી માટે શિવસેના (યુબીટી)માં ગયો અને હવે ચૂંટણી પછી પાછો ભાજપમાં આવી ગયો.
Also read : ગેટ વેથી એલિફન્ટાની બોટિંગ રાઈડના રૂ. એક હજાર? જાણો મામલો શું છે
પૈઠણના ઉમેદવારે પણ આવું જ કર્યું હતું. મરાઠવાડામાં અનેક વિધાનસભા મતદારસંઘમાં આવી રીતે શિવસેના (યુબીટી)એ ટિકિટો વહેંચી હતી. તેનું પરિણામ એ આવ્યું કે જે શિવસૈનિકે વર્ષો સુધી કામ કર્યું તે તડકે મૂકાઈ ગયા છે અને અન્ય દલાલ પ્રવૃત્તિના લોકોને ઉમેદવારી મળી છે.