આમચી મુંબઈ

Uddhav Thackeray એ વધારી શરદ પવાર અને કોંગ્રેસની મુશ્કેલી, શિવસેનાની 125 બેઠક પર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી

મુંબઈ : લોકસભા ચૂંટણીમાં મળેલી જીતથી ઉત્સાહિત ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની શિવસેનાએ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. તે મહારાષ્ટ્રની 288માંથી 125 બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે સંજય રાઉત, અનિલ દેસાઈ, સુભાષ દેસાઈ, સુનીલ પ્રભુ અને રાજન વિચારે સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં મુખ્ય વિધાનસભા ક્ષેત્રોમાં ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરવા પર સહમતિ સધાઈ હતી. શિવસેનાના આ દાવાથી સાથી પક્ષો એનસીપી અને કોંગ્રેસની ચિંતા વધી શકે છે.

125 વિધાનસભા બેઠકોની સમીક્ષા કરી

સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ બેઠક દરમિયાન તમામ 125 વિધાનસભા બેઠકોની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ આ બેઠકોને લક્ષ્ય બનાવવા માટે સમર્પિત ‘થિંક ટેન્ક’ સાથે વોર રૂમ સ્થાપવાની પણ યોજના ધરાવે છે.

શિવસેનાનો આધાર શું હશે?

શિવસેના (UBT) અગાઉના વોટ માર્જિનના આધારે આ બેઠકો પર દાવો કરશે. આ સિવાય પાર્ટી આ સીટોને છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આ સીટો પર મળેલા વોટના આધારે A,Bઅને C કેટેગરીમાં વિભાજિત કરશે. 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેનાએ NDAમાં રહીને 124 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપ અને અન્ય સાથી પક્ષો માટે 163 બેઠકો બાકી હતી.

કોંગ્રેસ ચૂંટણીમાં 150 થી ઓછી બેઠકો પર સમજૂતી નહિ કરે

ઉદ્ધવ ઠાકરેએ 2024ની લોકસભા ચૂંટણીમાં 22 બેઠકો પર ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે ભાજપ સાથે રહીને એટલી જ સીટો પર ચૂંટણી લડી હતી. પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકસભાની આ જ ફોર્મ્યુલા અપનાવવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે, મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોલેએ પહેલેથી જ કહ્યું હતું કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં એમવીએના પ્રભાવશાળી પ્રદર્શન પછી પાર્ટી આગામી વિધાનસભા ચૂંટણીમાં 150 થી ઓછી બેઠકો પર સમજૂતી નહિ કરે.

વર્ષ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં, અવિભાજિત શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ અનુક્રમે 56 અને 54 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 44 બેઠકો મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button