શિવસેનાએ લોકસભા ચૂંટણીમાં સંભાજીનગર, કોંકણ, થાણેના ગઢ જાળવી રાખ્યા, હવે વિધાનસભાની તૈયારીઓ શરૂ
શિવસેનાની વર્ષગાંઠની તૈયારીઓ માટે પાર્ટીના પદાધિકારીઓની બેઠક પૂર્ણ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 19 જૂને યોજાનારી શિવસેનાની 58મી વર્ષગાંઠની તૈયારીઓ સંદર્ભે આજે મુંબઈમાં તમામ પક્ષના નેતાઓ, પ્રધાનો, વિધાનસભ્યો અને પદાધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ અવસર પર મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પાર્ટીના અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામો અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ ચૂંટણીમાં અમે સેનાના તમામ ગઢ એટલે કે સંભાજીનગર, કોંકણ, થાણે પાલઘર જાળવી રાખ્યા છે અને હવે અમે સંપૂર્ણ તાકાત સાથે વિધાનસભાની તૈયારીઓ શરૂ કરવાની સૂચના આપી છે, એમ એકનાથ શિંદેએ પાર્ટીની બેઠક પૂરી થયા બાદ કહ્યું હતું.
શિંદેએ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સફળતા માટે તેમના તમામ સાથીદારોને અભિનંદન આપ્યા હતા. જો કે, આ ચૂંટણીમાં થયેલી ભૂલો સુધારવા અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે વધુ કાર્યક્ષમતાથી તૈયારી કરવાની સૂચના આપી હતી. 19મી જૂને પાર્ટીની વર્ષગાંઠથી પક્ષની સભ્ય નોંધણી ફરી શરૂ કરવી, સંબંધિત વિભાગોમાં મતદારોની નોંધણી દ્વારા મતદાર યાદીમાં સુધારણા કરાવવી અને વિભાગવાર શિવદૂતની નિમણૂકને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Modi 3.0: અજિત પવાર બાદ હવે એકનાથ શિંદેપણ નારાજ, મહારાષ્ટ્રમાં વિધાનસભા પહેલા ઘણા ફટાકડા ફૂટશે
આ લોકસભાની ચૂંટણીમાં શિવસેના (યુબીટી) કરતાં અમારો સ્ટ્રાઈક રેટ સારો હતો. તેઓએ 22 બેઠકો પર ચૂંટણી લડીને 9 જીતી, જ્યારે અમે 15 બેઠકો પર ચૂંટણી લડી અને 7 જીતી. તેથી તેમનો સ્ટ્રાઈક રેટ 42 ટકા છે અને અમારો 48 ટકા છે. બીજી તરફ અમને મુંબઈમાં તેમના કરતા 2 લાખ વધુ મત મળ્યા છે. અમે બાળાસાહેબનું છત્રપતિ સંભાજીનગર જાળવી રાખ્યું છે અને કોંકણમાં પણ લોકોએ મહાયુતિને સમર્થન આપ્યું છે. આથી જનતા ભલે લોકસભાની ચૂંટણીમાં ભોળવાઈ ગઈ હોય, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો જ્વલંત વિજય થશે. લોકસભાની ચૂંટણીમાં ગામે ગામ ફરીને જે ખોટો નેરેટિવ ફેલાવવામાં આવ્યો હતો કે 400થી વધુ બેઠકો આવશે તો બંધારણ બદલી નાખવામાં આવશે, આરક્ષણ ખતમ કરી નાખવામાં આવશે તેને કારણે લોકો ગુંચવાયા હતા. આ ચિત્ર લાંબો સમય નહીં ચાલે. કારણ કે કેન્દ્રમાં મોદી સરકાર અને રાજ્યમાં અમારી સરકાર ડો. બાબાસાહેબ આંબેડકરના વિચારો પર આધારિત છે.
શિંદેએ એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ખોટા નેરેટિવનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્યકરોને કામે લાગી જવાની સૂચના આપી. તેમણે એમ પણ કહ્યું કે દહીહાંડી, ગણપતિ, દશેરા, દિવાળી જેવા તમામ હિંદુ તહેવારો પંઢરપુરની આષાઢી વારી સહિત ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવશે. વારી માટે રવાના થનારી પાલખીઓનું સ્વાગત કરવા અને તેમને સુવિધા આપવા માટે પાર્ટીના કાર્યકર્તાઓને આદેશ કરાયો હતો. તેમણે એમ પણ કહ્યું કે શિવસેનાના બોર્ડ ગામડાઓમાં સ્થાપિત કરવા જોઈએ અને શાખાઓ શરૂ કરવી જોઈએ.
શિવસેના દ્વારા વૃક્ષારોપણ અભિયાન
આ ઉનાળામાં રાજ્યમાં તાપમાનમાં જબરદસ્ત વધારો થયો હતો. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 50 થી 52 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આથી સરકાર દ્વારા દરેક જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવશે. મુખ્યપ્રધાને જિલ્લા કલેક્ટરને દરેક જિલ્લામાં 1 લાખ વૃક્ષો વાવવાનો આદેશ આપ્યો છે, પરંતુ શિવસેનાએ પક્ષ વતી સમાન અભિયાન ચલાવવાનું નક્કી કર્યું છે. આજની બેઠકમાં શિંદેએ નિર્દેશ આપ્યો હતો કે દરેક શિવસૈનિક પહેલ કરે અને કામ શરૂ કરે. આ અભિયાન અંતર્ગત પાર્ટી વતી અને પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવશે.
આ વૃક્ષારોપણ અભિયાન દરેક જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ બેઠકમાં શિંદેએ દરેક શિવસૈનિકને વધતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગને રોકવા માટે સામાજિક પ્રતિબદ્ધતા તરીકે આ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી હતી.