શિવસેનાના બે નિષ્ઠાવંતોને બાપ્પા પાવલા, ચૂંટણીના પખવાડિયા પહેલાં પ્રધાન પદ!
સંજય શિરસાટને કેબિનેટ પ્રધાનનો અને હેમંત પાટીલને રાજ્ય કક્ષાના પ્રધાનનો દરજ્જો મળ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બે વર્ષ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. વિધાન પરિષદની ચૂંટણી બાદ વિધાનસભ્યો સાથે એકનાથ શિંદે મુંબઈથી સુરત જવા નીકળ્યા ત્યારથી તેમની સાથે રહેલા બે નેતાનું પુનર્વસન કરવામાં આવ્યું હોવાથી તેમને બાપ્પા પાવલા એમ કહેવાઈ રહ્યું છે. વિધાનસભ્ય સંજય શિરસાટ મુખ્ય પ્રધાનની સાથે પહેલેથી હતા. જ્યારથી એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા ત્યારથી સંજય શિરસાટને પ્રધાનપદ મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ સંજય શિરસાટને પ્રધાનપદ મળ્યું નહોતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકાર મરાઠવાડાના વિકાસના વચનો પૂરા કરવામાં નિષ્ફળ: અંબાદાસ દાનવે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીપંચ ગમે ત્યારે આચારસંહિતા લાદી શકે છે, તેથી કેબિનેટ વિસ્તરણ હવે અસંભવિત છે. કેબિનેટ વિસ્તરણની શક્યતા ધૂંધળી થઈ ગઈ છે ત્યારે પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સંજય શિરસાટને મોટી જવાબદારી સોંપી છે. સંજય શિરસાટની સિડકોના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. સિડકોના અધ્યક્ષને કેબિનેટ પ્રધાનનો દરજ્જો હોય છે. સંજય શિરસાટ હાલમાં શિવસેનાના પ્રવક્તા છે.
બીજી તરફ શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ હેમંત પાટીલનું પણ રાજકીય રીતે પુનર્વસન કરવામાં આવ્યું છે. હેમંત પાટીલને રાજ્યકક્ષાના પ્રધાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. હેમંત પાટીલને બાળાસાહેબ ઠાકરે હળદર સંશોધન અને તાલીમ કેન્દ્રના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હેમંત પાટીલ હિંગોલીના શિવસેનાના ભૂતપૂર્વ સાંસદ છે.
લોકસભાની ચૂંટણીમાં શિવસેના દ્વારા હેમંત પાટીલને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ હેમંત પાટીલની ઉમેદવારી પાછી ખેંચી લેવામાં આવી હતી અને તેના બદલે બાબુરાવ કદમ કોહલીકરને હિંગોલીમાંથી ઉમેદવારી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: શિંદે સેનાના નેતાએ આપ્યું રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન, કૉંગ્રેસ ભડકી…
ભાવના ગવળીનું પત્તું કપાયા બાદ હેમંત પાટીલની પત્ની રાજશ્રી પાટીલને યવતમાળ-વાશિમમાંથી ઉમેદવારી આપવામાં આવી હતી.