મહારાષ્ટ્રમાં પડ્યા પહેલગામ આંતકવાદી હુમલાના પડઘા, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન…

નાગપુર: શિવસેના (યુબીટી) ના કાર્યકરોએ બુધવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરતા પ્રદર્શનો શહેરના વેરાયટી ચોકમાં કર્યા હતા અને કેન્દ્ર સરકાર પર ‘તેને રોકવામાં નિષ્ફળ’ રહેવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રતિકાત્મક વિરોધમાં, કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના ફોટાવાળા પ્લેકાર્ડ સામે બંગડીઓ તોડી હતી. સાથે તેઓએ “પાકિસ્તાન મુર્દાબાદ” ના નારા લગાવ્યા હતા.
નગર સેના (યુબીટી) ના વડા નીતિન તિવારીએ જણાવ્યું હતું કે કલમ ૩૭૦ રદ કર્યા પછી વડા પ્રધાન મોદી અને શાહે જમ્મુ અને કાશ્મીરને હિંસાથી મુક્ત કરવાની વાત કરી હતી, જે થયું નથી. તેમણે દાવો કર્યો હતો કે પુલવામા હુમલાના ગુનેગારોની હજુ પણ ધરપકડ કરવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે મંગળવારનો પહેલગામમાં થયેલ હુમલો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા, તે મોદી સરકારની નિષ્ફળતા દર્શાવે છે.
નાસિકમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) એ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ અને તેના વડા પ્રધાનના ફોટાને ચપ્પલથી ફટકાર્યા અને બાદમાં તેમને બાળી નાખ્યા હતા. રાજ્ય એમએનએસ મહાસચિવ દિનકર પાટીલે જણાવ્યું હતું કે,”બધા રાજકીય પક્ષોએ સાથે આવવું જોઈએ અને આતંકવાદ સામે એક થવું જોઈએ. સરકારે પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આ હુમલો કેવી રીતે થયો.”
આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહારાષ્ટ્ર એમએનએસના ઉપપ્રમુખ સલીમ શેખ, જિલ્લા પ્રમુખ અંકુશ પવાર, શહેર પ્રમુખ સુદામ કોમ્બડે અને અન્ય લોકો હાજર હતા.
પીટીઆઈ