શિવસેના (યુબીટી)એ ખેતીના મુદ્દાઓ અને અધૂરા વચનોના વિરોધમાં ટ્રેક્ટર માર્ચનું આયોજન કર્યું

છત્રપતિ સંભાજીનગર: વિપક્ષી શિવસેના (યુબીટી)એ બુધવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું હતું જેથી મહાયુતિ સરકાર દ્વારા ખેડૂતોને આપવામાં આવેલા પાક લોન માફી સહિતનાં વચનો પૂરા કરવામાં ‘નિષ્ફળતા’નો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાજપના નેતૃત્વ હેઠળના કારભારમાં અધૂરા વચનોને યાદ અપાવવા માટે એક અઠવાડિયા સુધી ચાલનારા આંદોલન ‘ક્યા હુઆ તેરા વાદા’ (તમારા વચનોનું શું થયું) અભિયાનના બેનર હેઠળ આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાન પરિષદમાં વિપક્ષી નેતા અંબાદાસ દાનવેની આગેવાની હેઠળ આ માર્ચ ક્રાંતિ ચોકથી શરૂ થઈ હતી અને મધ્ય મહારાષ્ટ્ર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં વિભાગીય કમિશનર કાર્યાલય ખાતે સમાપ્ત થઈ હતી.
આંદોલન દરમિયાન પત્રકારો સાથે વાત કરતા દાનવેએ કહ્યું હતું કે, ‘બુધવારે તાલુકાવાર ટ્રેક્ટર રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ રહેવા બદલ અમે સરકારને ‘ક્યા હુઆ તેરા વાદા’ સવાલ પૂછી રહ્યા છીએ.’
શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યે નોંધ્યું હતું કે આ વચનોમાં કૃષિ લોન માફી અને વ્યાપક પાક વીમા યોજનાનો સમાવેશ થતો હતો.
‘તેઓએ (મહાયુતિ) અગાઉ પાક માટે લાભદાયક ભાવ અને કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને વાર્ષિક ચૂકવણી 15,000 રૂપિયા સુધી વધારવાનું પણ વચન આપ્યું હતું. આ અને અન્ય વચનો અધૂરા રહ્યા છે,’ એમ તેમણે કહ્યું હતું.
વચન આપ્યા પછી, મંત્રીઓ ભ્રામક અને ટાળાટાળી નિવેદનો આપે છે. આનો અર્થ એ છે કે તેઓ પોતાના વચનો ભૂલી ગયા છે, એમ દાનવેએ કહ્યું હતું અને ઉમેર્યું હતું કે, ‘આ આંદોલન દ્વારા, અમે સરકારને તેના વચનો અને તે ખાતરીઓનું શું થયું તે યાદ અપાવવા માગીએ છીએ.
આ પણ વાંચો…મહારાષ્ટ્ર ‘એફસીઆરએ’ પ્રમાણપત્ર મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય છે; વિદેશી દાનનો સીધો લાભ દર્દીઓને મળશે