શિવસેના-એનસીપીના ચાર પ્રધાનોના અંગત સચિવોની બદલી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ (જીએડી)એ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ચાર પ્રધાનોના અંગત સચિવો (પીએ)ને તેમના મૂળ વિભાગોમાં ટ્રાન્સફર કર્યા છે, કેમ કે તેમની નિમણૂંક મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા રદ કરવામાં આવી હતી.
ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળ્યા પછી, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના કાર્યાલય દ્વારા પીએ અને પીએસના નામોને મંજૂરી આપવી ફરજિયાત બનાવી હતી.
આપણ વાંચો: CRPF એ લીધો મોટો નિર્ણયઃ તમામ ટ્રાન્સફર, પોસ્ટિંગ અને ટ્રેનીંગ સેશન મુલતવી…
આ પ્રધાનો દ્વારા નિયુક્ત કરાયેલા પીએ, જે ક્લાસ-વન સરકારી અધિકારીઓ છે, તેમની નિમણૂંકને મુખ્ય પ્રધાનની કચેરી (સીએમઓ) દ્વારા નકારી કાઢવામાં આવી હતી, છતાં તેઓ ઘણા મહિનાઓ સુધી પ્રધાનો માટે કામ કરતા રહ્યા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ અઠવાડિયાની શરૂઆતમાં જીએડીએ અન્ન અને નાગરી પુરવઠા ખાતાના પ્રધાન છગન ભુજબળ (એનસીપી), પ્રવાસન પ્રધાન શંભુરાજ દેસાઈ, માટી અને જળ સંરક્ષણ પ્રધાન સંજય રાઠોડ અને પાણી પુરવઠા પ્રધાન ગુલાબરાવ પાટીલ (ત્રણેય શિવસેના)ના પીએેને તાત્કાલિક તેમના મૂળ વિભાગોમાં પાછા ફરવાના પત્રો પાઠવ્યા હતા, એમ વિભાગના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું.
આમાંથી બે પહેલાથી જ તે વિભાગોમાં પાછા આવી ચૂક્યા છે જ્યાંથી તેમની પ્રધાનો દ્વારા ભરતી કરવામાં આવી હતી.