આમચી મુંબઈ

વિરારમાં મરાઠી વિરોધી ટિપ્પણી બદલ રિક્ષાચાલકને ફટકાર્યો:શિવસેના, મનસેના કાર્યકરો સહિત 20 જણ સામે ગુનો…

પાલઘર: પાલઘર જિલ્લાના વિરારમાં મરાઠી વિરોધી ટિપ્પણી કરવા અને મરાઠી બોલવાનો ઇનકાર કરવા બદલ રિક્ષાચાલકની મારપીટ કરવા પ્રકરણે શિવસેના (યુબીટી) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પદાધિકારી, કાર્યકરો સહિત 20 સામે ગુનો દાખલ કરાયો હતો. આમાંથી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. જોકે 20 આરોપીમાંથી 13 જણને ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

વિરાર રેલવે સ્ટેશન નજીક વ્યસ્ત માર્ગ પર 12 જુલાઇએ રાજુ પટવા નામના રિક્ષાચાલકને જાહેરમાં મહિલાઓ સહિતના જૂથે લાફા માર્યા હતા, જેનો વીડિયો વાયરલ થયો હતો. બાદમાં તેને એક પુરુષ અને તેની બહેનની જાહેરમાં માફી માગવા માટે ફરજ પાડવામાં આવી હતી, જેમની સાથે તેણે અગાઉ દુર્વ્યવ્યહાર કર્યો હતો. ઉપરાંત રાજ્ય, તેના ભાષાકીય તથા સાંસ્કૃતિક વારસાનું ‘અપમાન’ કરવા બદલ પણ માફી માગવાનું કહેવામાં આવ્યું હતું.

રિક્ષાચાલકે મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અને મરાઠી ચિહ્નો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હોવાનો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો. તેની ક્લિપ અગાઉ સોશ્યલ મીડિયા પર સામે આવી હતી અને તેના પર ઓનલાઇન તથા સ્થાનિક રાજકીય જૂથો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ મળી હતી.

શિવસેના (યુબીટી)ના વિરાર શહેર પ્રમુખ ઉદય જાધવે (જે ઘટનાસ્થળે હાજર હતા) પાછળથી આ કાર્યવાહીની યોગ્ય ઠેરવી હતી. ‘જો કોઇ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અથવા મરાઠી લોકોનું અપમાન કરવાની હિંમત કરશે તો તેને સાચી શિવસેના સ્ટાઇલમાં જવાબ આપવામાં આવશે. ‘ડ્રાઇવર મહારાષ્ટ્ર અને મરાઠી માણુસ માટે ખરાબ બોલી રહ્યો હતો અને તેને યોગ્ય પાઠ ભણાવવામાં આવ્યો હતો. અમે તેને રાજ્યના લોકો અને જેમને તેણે નારાજ કર્યા હતા તેમની માફી માગવા કહ્યું હતું,’ એમ તેમણે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિરારમાં મર્જેટિયા નાકા રિક્ષા સ્ટેન્ડ નજીક 12 જુલાઇના રોજ લોકોનું જૂથ ગેરકાયદે એકઠું થયું હતું અને તેમણે મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસ કમિશનરેટના નિર્દેશ હેઠળ અમલમાં રહેલા પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. શિવસેના અને મનસેના પદાધિકારી અને કાર્યકરો આ જૂથમાં સામેલ હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »
Back to top button