શિવસેનાના વિધાનસભ્યે વાસી ખોરાક બદલ કેન્ટીનના કર્મચારીને થપ્પડ મારી; મુખ્ય પ્રધાન, વિપક્ષે આ કૃત્યની નિંદા કરી…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે મુંબઈમાં એમએલએ હોસ્ટેલની કેન્ટીનમાં એક કર્મચારીને વાસી ખોરાક પીરસ્યા બાદ થપ્પડ મારી હતી, જેની મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ વિપક્ષોએ નિંદા કરી હતી. હુમલાનો એક વીડિયો વાયરલ થતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આવું વર્તન કોઈને શોભતું નથી અને બધા વિધાનસભ્યો વિશે નકારાત્મક સંદેશ મોકલે છે કે તેઓ સત્તાનો દુરુપયોગ કરે છે.
શિવસેનાના વડા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ તેમના પક્ષના નેતાની કૃતિને ‘અયોગ્ય’ ગણાવી હતી. જોકે, બુલઢાણાના વિધાનસભ્ય ગાયકવાડે તેમના વર્તનનો બચાવ કરતા કહ્યું કે તેમને ‘શિવસેના શૈલી’ના પ્રતિભાવ માટે મજબૂર કરવામાં આવ્યા હતા કારણ કે ખોરાકની ગુણવત્તા અંગેની તેમની અગાઉની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો ન હતો અને ભારપૂર્વક જણાવ્યું કે તેમને તેમના કૃત્યનો કોઈ અફસોસ નથી.

મંગળવારે રાત્રે આકાશવાણી એમએલએ હોસ્ટેલમાં બનેલી આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. વીડિયોમાં ગાયકવાડ કેન્ટીન સંચાલકને માર મારતા અને બિલ ચૂકવવાનો ઇનકાર કરતા તેમ જ બિલિંગ કાઉન્ટર પર બેઠેલા સ્ટાફના સભ્યને વારંવાર થપ્પડ મારતા જોવા મળે છે, જેના કારણે તે નીચે પડી ગયો હતો. ‘મેં બે-ત્રણ વખત પહેલા પણ ખોરાકની નબળી ગુણવત્તા અંગે ફરિયાદ કરી હતી. આ વખતે ખોરાક બિલકુલ અસ્વીકાર્ય હતો. હું ચાલુ વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવીશ,’ એમ ગાયકવાડે એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું. ગાયકવાડની અગાઉ પણ આવા જ કાર્યોની પણ ટીકા થઈ છે.
બુધવારે વિધાનભવન પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા અત્યંત ઉદ્ધતાઈથી ગાયકવાડે કહ્યું હતું કે તેમણે (એમએલએ હોસ્ટેલમાં) ખોરાકની ગુણવત્તાનો મુદ્દો ઘણી વખત ઉઠાવ્યો છે, જેમાં એફડીએ મંત્રી નરહરિ ઝીરવાલનો પણ સમાવેશ થાય છે.ઝીરવાલે મને કહ્યું હતું કે તેમણે લગભગ ત્રણ મહિના પહેલા પરીક્ષણ માટે કેટલાક નમૂના મોકલ્યા હતા અને હજુ સુધી રિપોર્ટ મળ્યા નથી. વિધાનસભા સત્ર દરમિયાન હજારો લોકો ગુણવત્તાયુક્ત ખોરાક મેળવવાની આશા સાથે આકાશવાણી એમએલએ હોસ્ટેલની મુલાકાત લે છે, પરંતુ કોન્ટ્રાક્ટરે ક્યારેય ગુણવત્તામાં સુધારો કર્યો નથી,’ એમ તેમણે કહ્યું હતું.
ખોરાકની ગુણવત્તા સામે લોકોની અનેક ફરિયાદો છતાં, તે જ કોન્ટ્રાક્ટર દર વખતે ગમે તે રીતે કોન્ટ્રાક્ટ મેળવે છે, એમ તેમણે કહ્યું હતું.‘હું છેલ્લા 10-15 વર્ષથી એમએલએ હોસ્ટેલની મુલાકાત લઈ રહ્યો છું અને ઘણી વખત ફરિયાદો ઉઠાવી ચૂક્યો છું. મંગળવારે રાત્રે, જ્યારે હું કેન્ટીનના સ્ટાફને મળવા ગયો, ત્યારે અન્ય લોકોએ પણ સ્વીકાર્યું કે મને પહોંચાડવામાં આવેલું ભોજન માત્ર સ્વાદમાં ખરાબ જ નહોતું, પરંતુ તે સડેલું પણ હતું. તે દુર્ગંધ મારતું હતું,’ એવો દાવો તેમણે કર્યો હતો.
હું પણ એક માણસ છું. મારે શિવસેના શૈલીમાં જવાબ આપવો પડ્યો કારણ કે બીજા બધા પ્રયાસો બિનઅસરકારક રહ્યા હતા, એમ તેમણે કહ્યું હતું.
આ પ્રકારનું ભોજન આપીને, આ કેન્ટીન સંચાલકો લોકોના જીવન સાથે રમી રહ્યા છે, તેમણે કહ્યું, અને ઉમેર્યું કે છેલ્લા 30 વર્ષથી, તે જ કોન્ટ્રાક્ટર અહીં કેન્ટીનમાં ખોરાક બનાવી રહ્યો છે.તેમણે કેન્ટીનના કર્મચારીને શા માટે માર માર્યો તે અંગે પૂછવામાં આવતા, ગાયકવાડે કહ્યું હતું કે, હું એક વિધાનસભ્ય અને યોદ્ધો છું. મારી ફરિયાદો સાંભળવામાં ન આવ્યા પછી જ મેં નિયંત્રણ ગુમાવ્યું. ઘણી ફરિયાદો છતાં જો કોઈ ધ્યાન ન આપે, તો શું કરવું જોઈએ? શું મારે મરી જવું જોઈએ? મને મારા કાર્યોનો કોઈ અફસોસ નથી.

આ મુદ્દો વિધાન પરિષદમાં વિપક્ષી શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય અનિલ પરબે ઉઠાવ્યો હતો, જેમણે ગાયકવાડ પર સત્તાનો મદ હોવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આવી ઘટનાઓ મુખ્ય પ્રધાન ફડણવીસની છબીને પણ નુકસાન પહોંચાડે છે. આવું વર્તન કોઈને શોભતું નથી. તે રાજ્ય વિધાનસભા અને વિધાનસભ્ય તરીકેની છબીને અસર કરે છે, એમ ફડણવીસે ગૃહમાં કહ્યું હતું.
લોકોમાં બધા વિધાનસભ્યો વિશે ખોટો સંદેશો જાય છે કે રાજ્યમાં સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.
ગાયકવાડના વર્તન વિશે પૂછવામાં આવતા, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે જો કંઈક ખોટું થઈ રહ્યું છે, તો કાનૂની કાર્યવાહી થઈ શકે છે, પરંતુ લોકોને માર મારવો અયોગ્ય છે. મેં સંજય ગાયકવાડને કહ્યું છે કે તેમની કૃતિ અયોગ્ય હતી. હું તેમની કૃતિને સમર્થન આપીશ નહીં, એમ તેમણે કહ્યું હતું.
શિવસેનાના સાથી પક્ષ એનસીપીના એમએલસી અમોલ મિટકરીએ કહ્યું હતું કે તેઓ ગાયકવાડના કાર્યોને સમર્થન આપતા નથી, પરંતુ તેમણે ઉઠાવેલા મુદ્દાઓ માન્ય છે.કેન્ટીનમાં ખોરાકની ગુણવત્તા નબળી છે. કેટલાક સુધારા થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.શિવસેના (યુબીટી)ના રાજ્યસભા સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ પણ ગાયકવાડના વર્તનની ટીકા કરી હતી.