શિવસેનાના પ્રધાન સંજય શિરસાટનો ‘રોકડ થેલી’નો વીડિયો વાયરલ, તેમનો બચાવ કે બેગમાં ફક્ત કપડાં છે
એક્સ પર વીડિયો પોસ્ટ કરનારા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ વાતની નોંધ લેવી જોઈએ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટની મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળતો નથી. પહેલાં તેમના દિકરાની હોટલની ખરીદી ઘોંચમાં પડતાં હોટેલની ખરીદી પડતી મૂકવી પડી હતી. ત્યારબાદ તેમને એક દિવસ પહેલાં જ આઈટી (ઈન્કમ ટેક્સ)ની નોટિસ બજાવવામાં આવી હતી. આ બધાની વચ્ચે શુક્રવારે તેમનો કથિત રીતે ‘રોકડ ભરેલી બેગ’ સાથેનો વીડિયો વાઈરલ થતાં મુશ્કેલીમાં વધારો થયો છે. જોકે, શિરસાટે એવો બચાવ કર્યો છે કે તે બેગમાં પૈસા નહીં ફક્ત કપડાં જ હતા.
મહારાષ્ટ્રના પ્રધાન સંજય શિરસાટનો એક વીડિયો શુક્રવારે વાયરલ થયો હતો જેમાં એક રૂમમાં બેઠેલા દેખાય છે અને તેમની નજીક પડેલી આંશિક રીતે ખુલ્લી બેગમાં નોટોના બંડલ જેવું કશું દેખાય છે.
જોકે, શિરસાટે એવા દાવાને ફગાવી દીધો કે તે બેગમાં પૈસા હતા અને ભારપૂર્વક કહ્યું હતું કે તેમાં ફક્ત કપડાં હતા.
બીજી તરફ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરનારા શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ વાતની નોંધ લેવી જોઈએ.
તેમણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે, ‘મને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર દયા આવે છે! તેઓ હજુ કેટલી વાર પોતાની પ્રતિષ્ઠાને ખંડિત થતી જોયા કરશે? લાચારીનું બીજું નામ: ફડણવીસ છે!
આ વીડિયો વાઈરલ થયા બાદ મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા શિરસાટે કહ્યું હતું કે, વીડિયોમાં દેખાય છે તે મારું ઘર છે. તે બતાવે છે કે હું મારા બેડરૂમમાં (બનિયાન પહેરીને) બેઠો છું. મારો પાલતુ શ્ર્વાન અને એક બેગ પણ તેમાં દેખાય છે. આનો અર્થ એવો થાય છે કે હું મુસાફરીથી હમણાં જ પાછો ફર્યો છું અને મારા કપડાં કાઢીને બેઠો છું. જો મારી પાસે પૈસાની આટલી મોટી બેગ રાખવા કબાટની અછત છે? પરંતુ કેટલાક લોકોને કપડાંની થેલીમાં પણ (ચલણી) નોટો દેખાય છે, એમ શિરસાટે કહ્યું હતું. જો એ બેગમાં પૈસા હોત, તો હું તેને પહેલાં કબાટમાં રાખત, એમ તેમણે કહ્યું હતું. બેગમાં ફક્ત કપડાં હતા કે નહીં તે પૂછતાં તેમણે કહ્યું હતું કે, અલબત્ત. તેમાં કપડાં જ હતા. ‘આવા દાવાઓ મારા (રાજકીય) કારકિર્દીને અસર કરશે નહીં,’ એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: સંજય શિરસાટ ‘રોકડની થેલી’ સાથે જોવા મળ્યા બાદ, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ ટીકાનો ભોગ બન્યા
આ વીડિયો એવા અહેવાલો સામે આવ્યાના એક દિવસ પછી સામે આવ્યો છે કે શિરસાટને આવકવેરા વિભાગ દ્વારા તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હોવાથી નોટિસ આપવામાં આવી છે, જે 2019માં 3.3 કરોડ રૂપિયાથી વધીને 2024માં 35 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
2019 અને 2024 વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે તેમની સંપત્તિમાં આ નોંધપાત્ર વધારા માટે આઇટી વિભાગે સ્પષ્ટતા માગી છે.
શિરસાટે ગુરુવારે મીડિયાને જણાવ્યું હતું કે તેમણે નોટિસનો જવાબ આપવા માટે વધુ સમય માગ્યો છે.