આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દક્ષિણ-મધ્ય મુંબઈની બેઠક પર ઉમેદવાર જાહેર કરી શિવસેનાએ નોતર્યો વિવાદ?

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ એક સાથે 16 ઉમેદવારની યાદી બહાર પાડયા બાદ એક વધારે ઉમેદવારનું નામ બહાર પાડ્યું છે. જોકે તેમણે જાહેર કરેલા અમુક બેઠકોના ઉમેદવારોને લીધે સાથી પક્ષ અને ખાસ કરીને કૉંગ્રેસને વાંધો પડે તેમ છે. શિવસેનાએ 17મા ઉમેદવાર તરીકે દક્ષિણ મધ્ય મુંબઈથી અનિલ દેસાઈનું નામ જાહેર કર્યુ છે. આ બેઠક પર કૉંગેસે દાવો કર્યો હતો અને કૉંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો કરવા માગતી હતી. જોકે હવે કૉંગ્રેસને ઉત્તર મુંબઈની બેઠક મળશે તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. કૉંગ્રેસના ઈચ્છુક ઉમેદવાર સંજય નિરુપમ અહીંથી ઝંપલાવે તેવી પૂરી શક્યતા છે.

આ ઉપરાંત સંભાજીનગરના ઉમેદવારની જાહેરાત પણ સમસ્યા ઊભી કરી શકે તેમ છે. અહીંથી ઠાકરે જૂથના નેતા અંબાદાસ દાનવે પણ ટિકિટ માટે રસ ધરાવતા હતા. પરંતુ તેમને તક ન આપતા ખૈરેને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આથી હવે દાનવેની નારાજગી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બે દિવસથી મહાયુતિ દાનવનો સંપર્ક કરી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ દાનવેએ જેને પણ ટિકિટ મળે પોતે શિવસેનાને જીતાડવા કામ કરશે તેવી ચર્ચાપણ થઈ રહી છે. જોકે ખૈરેનું નામ જાહેર થતા જ શિંદે જૂથ અને ભાજપ દાનવેનો સંપર્ક કરી રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.


બીજી તરફ કોંગ્રેસ સાંગલી લોકસભા સીટ માટે એડીચોટીનું જોર લગાવી રહી હતી ત્યાં ઠાકરેની શિવસેનાએ તેમની ઉમેદવારી જાહેર કરી છે અને આ અણબનાવ વધુ વકરે તેવી શક્યતા છે.


દક્ષિણ મધ્ય મુંબઈથી કોંગ્રેસ અને ઠાકરેની શિવસેના વચ્ચે જંગ જામ્યો હતો. હવે આ બેઠક અનિલ દેસાઈને જાહેર કરવામાં આવી છે ત્યારે આ બેઠક પર પણ વિવાદ થવાની શક્યતા છે. હવે સ્પષ્ટ છે કે ઉત્તર મધ્ય મુંબઈની બેઠક કોંગ્રેસને જશે. કલ્યાણમાં શ્રીકાંત શિંદે સામે કોણ લડશે તે હજુ સ્પષ્ટ નથી. હવે આગામી બે દિવસમાં બાકીના નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. જોકે હાલમાં તો વિરોધી પક્ષ કરતા એક જ ગઠબંધનના બે પક્ષો સામસામે આવે તેવી સ્થિતિની શક્યતા જણાઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button