બીકેસીમાં શિંદે સેનાના બેનરનું નિશાન કોણ?

મુંબઈમાં શિંદે સેનાનો મેયર બેસાડવાની વાત: ઉદ્ધવ સેના કે ભાજપને પડકાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના વ્યાપારિક કેન્દ્ર બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં એક વિશાળ બેનર બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે. આગામી મેયર શિવસેના (શિંદે સેના)નો હશે એવું લખાણ ધરાવતા આ બેનરથી મોટા ભાઈ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે, જે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના મેયર પદને તેના રાજકીય હરીફ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સેના (યુબીટી) પાસેથી છીનવી લેવા માટે કટિબદ્ધ થઈને મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસતા ચહેરા સાથેનું બેનર, જેમાં દિવાળીની શુભેચ્છાઓ આપવા માટે લગાવવામાં આવ્યું છે, તે સ્થાનિક પાલિકા વોર્ડ નેતાએ લગાવ્યું છે. મહાયુતિમાં પદ માટેનો સંઘર્ષ નવો નથી, એટલે અન્ય સમયે અપ્રસ્તુત માનવામાં આવ્યું હોત, પરંતુ સામી ચૂંટણીએ લગાવવામાં આવેલા આ બેનર પરથી હવે આગામી દિવસોનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
એકનાથ શિંદે આ બેનરના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને મુંબઈ કે થાણેમાં તેમને ન ઘેરવાનો સંકેત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે? શું આ એક આકરી સોદાબાજી કરવાની રણનીતિનો ભાગ છે કે જો તમે મુંબઈ મેળવવા માંગતા હો, તો થાણે શિવસેનાને સોંપી દો? એવો સંકેત આમાંથી આપવામાં આવ્યો છે એવી ચર્ચા રાજકીય નિરીક્ષકોમાં થઈ રહી છે.
ભૂતકાળ અને ભવિષ્યની ચૂંટણીઓ
આ બાબતે જ્યારે શિવસેનાના સૂત્રો સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે એમ કહીને વાતને ટાળવાનો પ્રયાસ કર્યો હતો કે તે બેનર શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંકવા માટે લગાવવામાં આવ્યું હતું, જોકે તેમણે એવી પણ કબૂલાત કરી હતી કે તે ભાજપને પણ શિંદે સેનાને હળવાશથી ન લેવાનો સૂક્ષ્મ સંદેશ આપે છે.
તેમણે યાદ અપાવ્યું હતું કે કેવી રીતે, 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી, શિંદેને મુખ્ય પ્રધાન પદેથી હટાવીને નાયબ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને તેમના પક્ષના સાથીદારો માટે પોર્ટફોલિયો અને કેબિનેટ પદ માટે સખત સોદાબાજી કરવી પડી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં જંગી વિજય પછી હવે ભાજપ એવુું માને છે કે તેને સ્થાનિક સંસ્થાઓમાં તેની સંપૂર્ણ પકડ મજબૂત કરવી છે. જિલ્લા પરિષદો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગર પરિષદો સહિત સ્થાનિક સંસ્થાઓ પર નિયંત્રણ મેળવ્યા વિના, તે 2029ની વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં તેનું અગ્રણી સ્થાન જાળવી શકશે નહીં.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી ભાજપ સંમેલનમાં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કાર્યકરોને ‘શતપ્રતિશત ભાજપ’ અથવા 2029ની મહારાષ્ટ્ર ચૂંટણીમાં 100 ટકા ભાજપ તરફ કામ કરવા વિનંતી કરી હતી. મતભેદોને ઓછું મહત્વ આપતા, શિવસેનાના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે કહ્યું, દરેક પક્ષના કાર્યકરને લાગશે કે મેયર તેમના પક્ષનો હોવો જોઈએ.
મુદ્દો એ છે કે આવા નિર્ણયો સ્થાનિક નેતાઓ દ્વારા લેવામાં આવતા નથી. આખરે, તેમણે દલીલ કરી, બધા મોટા નિર્ણયો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના સ્તરે લેવામાં આવશે.
તેમના ખુલાસા છતાં, હકીકત એ છે કે ભાજપ પણ ઔદ્યોગિક શહેર થાણેમાં શિવસેનાના ઉદ્ધત વલણથી ખુશ નથી, જે શિંદેનો રાજકીય ગઢ છે. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય સંજય કેલકર થાણેમાં કથિત ભ્રષ્ટાચાર સંસ્કૃતિને કારણે વહીવટમાં થયેલા બગાડ અને ભ્રષ્ટાચાર અંગે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જિલ્લા ભાજપે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 131 વોર્ડ માટે ઉમેદવારોનું મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.
નિરીક્ષકો થાણે જિલ્લામાં ભાજપના પ્રધાન ગણેશ નાઈકના વધતા વર્ચસ્વ અને દખલગીરી તરફ ઈશારો કરે છે. નાઈક નાયબ મુખ્ય પ્રધાન શિંદેના જિલ્લામાં જનતા દરબાર યોજે છે અને ભ્રષ્ટાચાર માટે સેનાની ખુલ્લેઆમ ટીકા કરે છે. તાજેતરમાં, શિવસેનાના સ્થાનિક નેતાઓએ નાઈક સામે શિંદેને ફરિયાદ કરી હતી, પરંતુ તે નિરર્થક નીવડી હતી.
આ પણ વાંચો…મુંબઈ સિવાયની એમએમઆરની બધી જ મનપામાં ભાજપ-શિવસેના અલગ અલગ લડશે