આમચી મુંબઈમહારાષ્ટ્રમહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

કોંગ્રેસને ઝટકો, ભાજપને ફાયદોઃ કૉંગ્રેસના બળવાખોર નેતા શિવસેનામાં જોડાયા અને…

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી હવે મહાયુતિમાં પ્રવેશવા માટે અન્ય પાર્ટીના વિધાનસભ્યો તૈયાર હોવાના અહેવાલ વચ્ચે આજે અપક્ષના વિજેતા ઉમેદવારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને બિનશરતી સમર્થન આપ્યું હતું, જ્યારે કોંગ્રેસના બળવાખોર નેતા એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા.

આ પણ વાંચો : Eknath Shindeના નિવાસસ્થાને ‘લાડલી બહેના’ યોજનાના લાભાર્થીઓ પહોંચ્યા, જાણો કારણ?

કૉંગ્રેસના બળવાખોર ઉમેદવાર જેઓ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે અપક્ષ તરીકે મેદાનમાં ઊતર્યા હતા, તેઓ શિવસેનામાં જોડાયા છે. કોપરી-પાચપખાડી બેઠક પરથી નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કર્યા બાદ કૉંગ્રેસે મનોજ શિંદેને સસ્પેન્ડ કર્યા હતા. રવિવારે મનોજ શિંદે શિવસેનામાં સામેલ થવાથી કોંગ્રેસને ફટકો પડ્યો હતો.

પત્રકારો સાથેની વાતચીતમાં મનોદ શિંદેએ કૉંગ્રેસની નેતાગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે થાણે અને કોંકણ પ્રાંતમાં કૉંગ્રેસ દ્વારા ઘણું ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ‘કૉંગ્રેસ ક્યારેય થાણે અને કોંકણ માટે ગંભીર દેખાઇ નથી. તેને કારણે પક્ષ અને તેના કાર્યકરોના ભાવિ પર તેની આડઅસર થઇ છે’, એમ તેમણે કહ્યું હતું.

કૉંગ્રેસમાં કાર્યકરોને હાંસિયામાં ધકેલી લેવામાં આવી રહ્યા છે એવો દાવો કરતા તેમણે કહ્યું હતું કે વર્ષોથી પક્ષની સેવા કરી રહેલા અનેક કાર્યકરો નીચલા પદ પર છે અથવા તો તેમને કોઇ પદ આપવામાં આવ્યા નથી. કૉંગ્રેસમાં ૪૦ વર્ષ સુધી પસીનો વહાવીને અને લોહીનું પાણી કર્યા બાદ છેલ્લે શિવસેનામાં જોડાવાનો મેં નિર્ણય લીધો છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું
દરમિયાન આજે અપક્ષના વિધાનસભ્ય શિવાજી પાટીલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની તાજેતરમાં મુલાકાત લીધી હતી અને સત્તાધારી ભાજપને બિનશરતી સમર્થન આપવાનું જાહેર કર્યું હતું, એમ ભાજપના સૂત્રોએ આજે જણાવ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી પહેલા શિવાજી પાટીલ કોલ્હાપુર જિલ્લાના ચાંદગડ બેઠક પરથી ભાજપની ટિકિટ પર લડવા ઇચ્છતા હતા, પરંતુ મહાયુતિ વચ્ચે થયેલી બેઠકોની વહેંચણીમાં આ બેઠક એનસીપીને આપવામાં આવી હતી. તેથી પાટીલ અપક્ષ તરીકે આ બેઠક પર લડ્યા હતા અને એનસીપીના ઉમેદવાર રાજેશ પાટીલને માત આપીને વિજયી થયા હતા.

રવિવારે રાતે પાટીલ ફડણવીસને મળ્યા હતા અને ભાજપને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી હતી અને આ બાબતનો પત્ર પણ તેમને સોંપ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ફડણવીસે પણ શાલ ઓઢાડીને તેમનું અભિવાદન કર્યું હતું.

આ પણ વાંચો : તો હવે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી!

ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદે શિવસેના અને અજિત પવારની એનસીપીને બહુમત મળ્યા પછી હવે ઉદ્ધવ ઠાકરે જૂથના જીતેલા ઉમેદવાર અને એનસીપી (શરદ પવાર)ના ઉમેદવાર પણ પક્ષ પલટો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button