દશેરા રેલી શિવાજી પાર્ક માટે શિંદે-ઠાકરે જૂથ વચ્ચે ફરી હુંસાતુંસી
મુંબઈ: ગયા વર્ષની માફક આ વર્ષે પણ ૨૪ ઑક્ટોબરે દશેરાની રેલીનું આયોજન શિવાજી પાર્કના મેદાન પર કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અને ઠાકરે જૂથ (યુબીટી) એકબીજા સાથે શિંગડા ભેરવવા સજજ થઇ ગયા છે. આ વર્ષે તો શિવાજી પાર્ક પર આયોજન માટેની સ્પર્ધા અત્યંત તીવ્ર છે, કારણ કે વિશાળ મેદનીને સમાવી શકતો બાંદ્રા – કુર્લા કોમ્પ્લેક્સ મેદાનનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ નથી. બીકેસી મેદાનનો મોટાભાગનો હિસ્સો બુલેટ ટ્રેન ટર્મિનલ ડેપોના બાંધકામ માટે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના તાબામાં છે.
પરિણામે બેમાંથી એક શિવસેનાએ તેની દશેરા રેલીનું આયોજન ગોરેગાંવ પૂર્વ સ્થિત નેસ્કો સેન્ટરમાં કરવું પડશે. શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ મેયર વિશાખા રાઉતે જણાવ્યું હતું કે ‘શિવસેનાની સ્થાપના થઈ ત્યારથી અમે દશેરાના મેળાવડાનું આયોજન શિવાજી પાર્કમાં કરતા આવ્યા છીએ. પહેલા બાળાસાહેબ ઠાકરે રેલીને સંબોધન કરતા અને હવે ઉદ્ધવજી એ જવાબદારી નિભાવે છે. ગયા વર્ષે મુંબઈ મહાનગરપાલિકા અને શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ અમને બહુ તકલીફ આપી હતી, પણ છેવટે અદાલતે અમારી સાથે ન્યાય કર્યો હતો.’ શિવસેના (યુબીટી)એ ૨૪ ઑક્ટોબરની રેલીના આયોજન માટે સાત ઑગસ્ટે પરવાનગી માગતી અરજી કરી હતી. જોકે, એના થોડા દિવસ પહેલા એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પણ અરજી કરી હતી.
જી-ઉત્તર વિભાગના સહાયક આયુક્ત પ્રશાંત સપકાળેએ જણાવ્યું હતું કે ‘અમારી પાસે બંને પક્ષ તરફથી અરજી આવી છે. ટૂંક સમયમાં નિર્ણય લઈ તેમને જણાવવામાં આવશે.’