આમચી મુંબઈ

મુંબઈ મહાનગરપાલિકામાં બંને રાષ્ટ્રવાદી શિંદેસેના સાથે વૈધાનિક સમિતિમાં ઠાકરેની સેનાનું સંખ્યાબળ ઘટશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મુંબઈ મહાનગરપાલિકામાં બંને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે શિંદે સેનાને સમર્થન આપ્યું હોવાથી ત્રણેય એક સાથે ગ્રૂપ બનાવ્યું છે. તેથી ત્રણેય પક્ષનું નેતૃત્વ શિવસેના કરશે અને તેમના ગ્રૂપ લીડર અમોલ ઘોલે રહેશે. ત્રણેય પક્ષ એક થવાથી હવે મુંબઈ મહાનગરપાલિકામાં શિંદેસેનાની તાકાત વધશે. તો ઉદ્ધવ ઠાકરેની સેનાનું સંખ્યાબળ હવે એકથી ઘટી જશે અને એઆઈએમએમને પણ તેને કારણે વૈધાનિક સમિતિમાં જગ્યા મળશે નહીં.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિંદેસેનાના ૨૯ નગરસેવક ચૂંટાઈ આવ્યા છે. તો રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (અજિત પવાર) ગ્રૂપના ત્રણ અને શરદ પવારની રાષ્ટ્રવાદીનો એક નગરસેવક ચૂંટાઈ આવ્યો હતો. અજિત પવારની રાષ્ટ્રવાદીએ સ્વતંત્ર ચૂંટણી લડવાની જાહેરાત કરી હોવાથી તેઓએ અલગથી ગ્રૂપ બનાવવાનો નિર્ણય લીધો હતો. તો શરદ પવારની રાષ્ટ્રવાદીના નગરસેવકે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરી હતી.

બંને રાષ્ટ્રવાદીએ શિંદેસેનાને સમર્થન જાહેર કરીને તેમની સાથે રહેવાની જાહેરાત કરી હતી. ત્રણેય પક્ષોએ એક થઈને પાલિકામાં અલગથી ગ્રૂપની સ્થાપના કરી હતી. મંગળવાર, ૧૦ ફેબ્રુઆરીના અજિત પવારના ત્રણ નગરસેવકોએ શિંદે સેનાને સમર્થન આપીને કોંકણ ભવનમાં ત્રણેય ગ્રૂપનું રજિસ્ટ્રેશન સાથેે કર્યું હતું. તેથી હવે શિંદેની શિવસેનાના ગ્રૂપના નગરસેવકોની સંખ્યા ૩૩ થઈ ગઈ છે. તો ઉદ્ધવની સેનાનું સંખ્યાબળ એકથી ઘટી જશે કારણકે શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સાથે ચૂંટણીમાં ઉદ્ધવની સેનાએ જોડાણ કર્યું હતું પણ હવે તે શિંદેસેના સાથે છે.

મહાનગરપાલિકામાં સુધાર સમિતિમાં ભાજપ શિવસેના મહાયુતિના અને વિરોધપક્ષના સભ્યોની સંખ્યા એક સમાન હોવાથી અધ્યક્ષ કોણ બનશે તે માટે ચિઠ્ઠી કાઢવામાં આવવાની હતી. જોકે તે પહેલા જ શિંદે સેનામાં બંને રાષ્ટ્રવાદી જોડાઈ જતા તેમનું સંખ્યાબળ વધી ગયું છે. તેથી હવે સુધાર સમિતિનું અધ્યક્ષ પદ યુતિ પાસે જ રહેશે.

સુધારની સાથે જ સ્થાયી સમિતિમાં ૨૬ સભ્યો હોય છે, જેમાં રાજકીય પક્ષના સંખ્યાબળ અનુસાર સભ્યો નીમવામાં આવે છે. સુધારની સાથે જ સ્થાયીમાં પણ સત્તાધારી અને વિરોધીપક્ષનું સંખ્યાબળ એકસરખું થઈ રહ્યું હતુંપણ હવે ત્રણેય સાથે ગ્રૂપ તરીકે નોંધણી કરાવી છે. તેથી સત્તાધારી પક્ષનો એક સભ્ય વૈધાનિક સમિતિમાં વધી જશે. તો વિરોધપક્ષનો એક ઘટી જશે.

નોમિનેટેડ નગરસેવકોની સંખ્યા વધશે

મુંબઈ મહાનગરપાલિકામાં ૨૨૭ ચૂંટાયેલા નગરસેવકો સામે ૧૦ નોમિનેટેડ નગરસેવકો આવશે. એ સાથે જ નગરસેવકોની સંખ્યા ૨૩૭ થઈ જશે. નોમિનેટેડ નગરસેવકોને પાલિકાની કોઈ પણ સમિતિમાં મતદાનનો અધિકાર મળતો નથી. રાજ્યમાં માન્યતાપ્રાપ્ત અને રજિસ્ટર્ડ વૈદ્યકીય વ્યવસાયી તરીકે પાંચ વર્ષનો અનુભવી તેમ જ માન્યતાપ્રાપ્ત સ્કૂલ અને કોલેજનો નિવૃત પ્રોફેસર, પ્રિન્સીપલ અને શૈક્ષણિક નિષ્ણાત પણ નોમિનેટેડ નગરસેવક બની શકે છે.

ભાજપ અને ઠાકરેના કેટલા નોમિનેટેડે નગરસેવક?

ભાજપના ચૂંટાયેલા નગરસેવકોની સંખ્યા ૮૯ અને ઉદ્ધવની સેનાના ૬૫ છે. તેથી આ સંખ્યાબળને આધારે ભાજપને ચાર, ઠાકરેની સેનાને ત્રણ અને શિંદેેસેનાને એક, કૉંગ્રેસને એક અને એઆઈએમએમને એક નોમિનેટેડ નગરસેવક મળશે. ૨૦૧૭ સુધી મુંબઈ મહાનગરપાલિકામાં ફક્ત પાંચ નોમિનેટેડ નગરસેવકની જોગવાઈ હતી પણ રાજ્ય સરકારે અધિનિયમમાં સુધારો કરીને પાંચમાંથી સંખ્યા વધારીને ૧૦ કરી નાખી છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button