શિંદે-સેના થાણેમાં પૉડ ટૅકસી શરૂ કરવા ઉતાવળી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈ મેટ્રોપોલિટન રિજન હેઠળ આવતા મોટાભાગના શહેરોમાં ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની રહી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમ જ થાણે શહેરમાં મેટ્રો સર્વિસને પૂરક બની રહે તેવી ભવિષ્યમાં ટ્રાફિક વ્યવસ્થા તરીકે પૉડ ટૅકસી ચાલુ કરવા શિંદે સરકાર ઉતાવળી બની છે પણ દેખાવમાં રૂપકડી લાગતી મુંબઈની મોનોરેલ જેવા હાલ પૉડ ટૅકસીના ના થાય તે માટે થાણે પાલિકા કમિશનર આ પ્રોજેક્ટ માટે ઉતાવળ કરવા માગતા ન હોવાનું જાણવા મળ્યું હતું.
થાણે શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે થોડા સમય પહેલા ઘોડબંદર રોડના ભાયંદરપાડાથી વિહંગ હિલ્સ ચોક સુધીના રોડ પર પ્રાયોગિક ધોરણે પૉડ ટૅક્સી પ્રોજેક્ટ ઊભો કરવાની જાહેરાત પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે કરી હતી. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપના ધોરણે આ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે એ પાલિકા અથવા રાજ્ય સરકાર એક પણ પૈસો ખર્ચ કરશે નહીં એવી સ્પષ્ટતા પણ આ સમયે તેમણે કરી હતી.
આ પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન ગુરવારે થાણે પાલિક મુખ્યાલયમાં સંબંધિત કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પ્રતાપ સરનાઈક સહિત થાણે પાલિકા, એમએમઆરડીએના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં પૉડ ટૅકસી કંપનીના પ્રતિનિધિએ પ્રોજેક્ટનું પ્રઝેટેશન આપ્યું હતું, લગભગ બાવન કિલોમીટર લંબાઈના માર્ગ પર રહેલા પૉડ ટૅકસી પ્રોજેક્ટમાં લગભગ ૬૩ સ્ટેશન હશે. તેમ જ તેના દર પણ પરવડે એવા પ્રતિ માણસે ૩૦ રૂપિયા હશે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ ઊભા કરવામાં આવનારા આ પ્રોજેક્ટમાં એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત હોઈ પહેલા તબક્કામાં ભાયંદર પાડાથી કાપૂરબાવડી સુધી સેવા ચાલુ કરવાનો વિચાર છે.
પૉડ ટૅકસી પ્રોજેક્ટના પ્રેઝેન્ટેશન બાબતે પાલિકા કમિશનર સૌરભ રાવે કહ્યું હતું કે પાલિકા આ પ્રોજેક્ટના વિરોધમાં નથી પણ કેન્દ્ર અને રાજ્ય સરકારની માન્યતા સિવાય આટલો મોટો પ્રોજેક્ટનો ખર્ચ પાલિકા માટે શક્ય નથી. કેન્દ્ર સરકારની માન્યતા બાદ જ આ પ્રોજેક્ટ અમલમાં લાવી શકાશે. પીઓપી ધોરણ પર રહેલા આ પ્રોજેક્ટના હાલ મોનોરેલ જેવા થાય નહીં અને કરોડો રૂપિયાનો ખર્ચ વેડફાઈ નહીં તેના ચિંતા થાણે પાલિકા કમિશનરને સતાવી રહી છે પણ શિંદે સરકારના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક પૉડ ટૅકસી પ્રોજેક્ટ શરૂ કરવા ઉતાવળિયા થયા છે. તેઓ ફટાફટ ઉદ્ઘાટન કરીને પ્રોજેક્નું કામ ચાલુ કરવા માગે છે પણ આવશ્યક મંજૂરી વગર પાલિકા કમિશનર આગળ વધવાના મુડમાં નથી.