Shinde Vs Thackeray: તમારી પાસે તાકાત છે ખરી? શિંદેનો ઉદ્ધવને સવાલ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરેએ પોતાના ભાષણ દરમિયાન નાયબ મુખ્ય પ્રધાનની ચીમકી આપી અને અથવા તો તે (ફડણવીસ) રહેશે અથવા તો હું રહીશ એવો પડકાર ફેંક્યો ત્યાર બાદ ભાજપ ઉપરાંત મહાયુતિના સાથી પક્ષો તરફથી પણ ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરેને વળતો જવાબ આપતા કહ્યું હતું કે જે લોકો પડકાર ફેંકી રહ્યા છે તેમણે જાણવું જોઇએ કે અમે ક્યાં ઊભા છીએ. ચેલેન્જ આપવા માટે તાકાત હોવી જરૂરી છે. ફક્ત નિવેદનો આપવાથી કોઇ બીજાને સમાપ્ત નથી કરી શકતું.
એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને તેમની પાસે તાકાત છે કે નહીં એવો સવાલ પૂછી તેમના નિવેદનની ટીકા કરી હતી ત્યારે ભાજપના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઉદ્ધવ ઠાકરેને તેમના મત ઘટી રહ્યા હોવાની ચિંતા પજવી રહી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : …તો હું મહારાષ્ટ્રનો મુખ્ય પ્રધાન બનીશઃ કોણે કહ્યું?
બાવનકુળેએ જણાવ્યું હતું કે કોંકણ અને મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેના મત ઘટી રહ્યા છે એટલે તે ચિંતિત છે. તે કૉંગ્રેસ સાથે જોડાયા ત્યારથી તેમના મતદારોએ તેમને છોડી દીધા છે. ભાજપ સાથે હતા ત્યારે તે લોકસભાની 18 બેઠક જીત્યા હતા. હવે તેમની સંખ્યા ઘટી છે. ફડણવીસ પર પ્રહાર કરીને તે નીચલા સ્તરે પહોંચી ગયા છે અને પોતાની માનસિક કંગાળી દર્શાવી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણી વિશે વાત કરતા બાવનકુળેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહાયુતિ સાથે છે અને સહેલાઇથી વિધાનસભાની ચૂંટણી જીતશે. ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે કે શું એવો સવાલ પૂછતા બાવનકુળેએ જણાવ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વ શું નિર્ણય લેશે એનો મને ખ્યાલ નથી.
દેવેન્દ્ર ફડણવીસ પાસે ઘણો અનુભવ છે અને તે મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમને રાષ્ટ્રીય સ્તરે સંગઠનને સંભાળવાનો પણ અનુભવ છે. મહારાષ્ટ્રને તેમની રાજકીય દીર્ઘદ્રષ્ટિની જરૂર છે.