શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી; સમીક્ષા બેઠકો માટે ભાજપના નેતા દિલ્હીમાં
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મોડી રાત્રે બેઠક યોજી હતી, ત્યારબાદ કેટલાક ભાજપના રાજ્યકક્ષાના નેતાઓ સમીક્ષા બેઠક માટે દિલ્હી જવા રવાના થયા હતા એમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.
બેઠકની વિગતો ઉપલબ્ધ નથી. તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં શાસક મહાયુતિના નબળા પ્રદર્શનને પગલે આ બેઠક બોલાવવામાં આવી હતી, એવું માનવામાં આવી રહ્યું છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ફડણવીસ અને અજિત પવાર સાથે તેમના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે બેઠક યોજી હતી. અજિત પવાર ગયા પછી શિંદે અને ફડણવીસે થોડા સમય માટે બેઠક ચાલુ રાખી હતી, એમ ભાજપના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું.
આ પણ વાંચો : Mahayutiને મળશે મોટો ઝટકોઃ આ દિગ્ગજ નેતા છેડો ફાડી ફરી મૂળ પક્ષમાં જાય તેવી સંભાવના
ભાજપના કેન્દ્રીય નેતૃત્વે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનના સંદર્ભમાં રાજ્યના નેતાઓ સાથે સમીક્ષા બેઠક બોલાવી છે.
ભાજપમાં રાજ્યના નેતાઓ સાથે આવી સમીક્ષા બેઠકો યોજવી એ નિયમિત કવાયત છે. ફડણવીસે પરિણામો જાહેર થયા પછી રાજીનામું આપવાની ઓફર પણ કરી હતી. રાજ્યની વિધાનસભાની ચૂંટણી પર પણ દિલ્હીની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવને મહારાષ્ટ્ર ભાજપ યુનિટના પ્રભારી તરીકે અને અશ્ર્વિની વૈષ્ણવને તેના સહયોગી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આ વર્ષે ઓક્ટોબરમાં થવાની શક્યતા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીનો સમાવેશ કરતી શાસક મહાયુતિએ રાજ્યની 48 બેઠકોમાંથી ફક્ત 17 બેઠકો જીતી હતી. ભાજપને 9, શિવસેનાને 7 અને એનસીપીને 1 બેઠક મળી હતી.
કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને શરદ પવારની એનસીપી (એસપી) નો સમાવેશ કરતી વિપક્ષી મહાવિકાસ અઘાડીએ 30 બેઠકો મેળવી હતી. (પીટીઆઈ)