પોલીસ સ્ટેશનમાં શિંદે જૂથના નેતા પર ગોળીબાર: ગણપત ગાયકવાડ, અન્ય ચારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
થાણે: ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં એકનાથ શિંદે જૂથના નેતા પર ગોળીબાર કરવાના કેસમાં ધરપકડ કરાયેલા ભાજપના વિધાનસભ્ય ગણપત ગાયકવાડ સહિત પાંચ જણને સ્થાનિક કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી.
ગાયકવાડ ઉપરાંત હર્ષલ કેણે, સંદીપ સરવણકર, દિવ્યેશ ઉર્ફે વિકી ગણાત્રા અને ગાયકવાડના ડ્રાઇવર રણજિત યાદવની પોલીસ કસ્ટડી પૂરી થતી હોવાથી તેમને બુધવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ઉલ્હાસનગરના હિલલાઇન પોલીસ સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટરની કેબિનમાં 2 ફેબ્રુઆરીએ શિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાનો ગણપત ગાયકવાડ પર આરોપ છે. તેમની વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તથા અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
ગોળીબારમાં ઘવાયેલા મહેશ ગાયકવાડને થાણેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આરોપીઓના વકીલ નીલેશ પાંડે અને ઉમર કાઝીએ જણાવ્યું હતું કે પોલીસે તપાસ માટે વધુ કસ્ટડીની માગણી કરી હતી. જોકે કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઇ)