
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં મહાયુતિના પક્ષોમાં એકનાથ શિંદે જૂથની શિવસેનાએ 15 બેઠકમાંથી સાત બેઠક જીતી હતી અને આ જ દેખાવના આધારે વિધાનસભાની ચૂંટણીમાં બેઠકની માગણી કરવાની તૈયારી શિંદે જૂથે બતાવી છે. મળેલી માહિતી અનુસાર 288માંથી 113 જેટલી બેઠક પરથી ચૂંટણી લડવાની માગણી શિંદે જૂથ દ્વારા કરાશે. આ માગણીને લઈ મહાયુતિ (ભાજપ-એકનાથ શિંદે સેના અને અજિત પવાર એનસીપી)ના એકસાથે ચૂંટણી લડવાના સમીકરણ અંગે અલગ અલગ તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે.
113 બેઠક માટે શિંદે જૂથ દ્વારા રવિવારે પ્રભારીઓ અને નિરીક્ષકોની નિમણૂંક પણ કરવામાં આવી હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું. શિંદે જૂથના એક વરિષ્ઠ નેતાએ આ બાબતે જણાવ્યું હતું કે અમારી 113 બેઠક પર લડવા માટેની યોજના છે. મહારાષ્ટ્રમાં ભાજપ રહે તે ઇચ્છતા હોવાથી લોકસભાની ચૂંટણીમાં અમે ઘણી બાંધછોડ કરી હતી.
આ પણ વાંચો : એકનાથ શિંદે જૂથના મુંબઈના સાંસદને કોર્ટનું સમન્સ, નજીવા મતથી મળેલી જીતનો વિવાદ
ઉલ્લેખનીય છે કે ભાજપ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં 28 બેઠક પરથી ચૂંટણી લડ્યો હતો અને તેમાંથી ફક્ત 9 પર વિજય મેળવી શક્યો હતો. શિવસેના જદ(યુ) અને ટીડીપી બાદ મહાયુતિનો ત્રીજો સૌથી મોટો ઘટક પક્ષ હોઇ કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવા ભાજપને શિવસેનાની જરૂર છે. એવામાં આ પરિસ્થિતિનો લાભ વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠક મેળવવા માટે થઇ શકે તેવી ચર્ચા થઇ રહી છે. લોકસભાની ચૂંટણીમાં નબળા દેખાવને પગલે અજિત પવાર જૂથની એનસીપી પણ વધુ બેઠકોની માગણી કરે તેવી શક્યતા હોઇ ભાજપ માટે કપરી પરિસ્થિતિ ઊભી થઇ શકે છે.
કલ્યાણની પાંચ બેઠક પર ભાજપનો દાવો
કલ્યાણ-ડોંબિવલીની પાંચ વિધાનસભા બેઠક પર ભાજપના જિલ્લાધ્યક્ષે દાવો કર્યો છે, જેને પગલે મહાયુતિમાં ખેંચતાણ થઇ શકે છે. આ વિશે શિંદે જૂથ શું પ્રતિક્રિયા આપે છે તેના પર બધાની નજર છે. કલ્યાણ પૂર્વ, કલ્યાણ પશ્ચિમ, કલ્યાણ ગ્રામીણ, ડોંબિવલી અને અંબરનાથ આ પાંચ બેઠક પર જિલ્લાધ્યક્ષ નરેન્દ્ર ઉર્ફ નાના સૂર્યવંશીએ દાવો માંડ્યો છે. ડોંબિવલી અને કલ્યાણ પૂર્વ ભાજપનો ગઢ મનાય છે અને ગણપત ગાયકવાડ અહીં ભાજપના દિગ્ગજ નેતા મનાય છે. તે કલ્યાણ પૂર્વથી સતત ત્રણ વખત જીતી આવ્યા છે. તે હાલ ફાયરિંગ મામલામાં જેલમાં છે એટલે શિંદે જૂથ આ બેઠક પર દાવો માંડી શકે તેવી શક્યતા છે. જ્યારે ડોંબિવલી ખાતેથી રવિેન્દ્ર ચવ્હાણ સરકારમાં પ્રધાન છે અને સતત બીજી વખત પ્રધાન બન્યા છે. જેને પગલે આ બેઠક પર તેમનું પ્રભુત્વ છે. હવે શિંદે જૂથ આ બેઠક અંગે શું નિર્ણય લે છે તે જોવાનું રહેશે.