આમચી મુંબઈ

શિંદે સેનાની નારાજીના ભડકા બાદ સમાધાન હવે મહાયુતિના ઘટકપક્ષો એકબીજાના નેતાઓને પ્રવેશ નહીં આપે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: મહારાષ્ટ્રમાં પાલિકા ચૂંટણીઓ પહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મંગળવારે ભાજપની આગેવાની હેઠળની મહાયુતિ સરકારમાં શિવસેનાના પ્રધાનોએ કેબિનેટની સાપ્તાહિક બેઠકમાં ગેરહાજર રહીને સનસનાટી ફેલાવી દીધા બાદ આ મુદ્દે હવે સમાધાન થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં થયેલા યુદ્ધવિરામમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે મહાયુતિના ઘટકપક્ષો હવે એકબીજાના નેતાઓને પક્ષપ્રવેશ આપશે નહીં.

સૂત્રોએ દાવો કર્યો હતો કે મંગળવારે મંત્રાલયમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં શિવસેનાના વડા માત્ર નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જ હાજર હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, શિવસેના સાથી પક્ષ ભાજપને સંદેશ આપવા માંગતી હતી કે તેને સેનાના કાર્યકરો અને નેતાઓને દૂર રાખવાની મંજૂરી નથી.

સેનાના પ્રધાનો બાદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમની ચેમ્બરમાં મળ્યા હતા અને પોતાની નારાજી વ્યક્ત કરી હતી, પરંતુ ફડણવીસે જણાવ્યું હતું કે તે શિંદે સેનાએ સૌપ્રથમ પાડોશી ઉલ્હાસનગરમાં ભાજપના સભ્યોને પોતાના પક્ષમાં પ્રવેશ આપ્યો હતો, એવી માહિતી આધારભૂત સૂત્રો પાસેથી મળી હતી.

મુખ્ય પ્રધાને સેનાના નેતાઓને જણાવ્યું હતું કે જ્યારે તેમનો પક્ષ અન્ય સાથી પક્ષોના સભ્યોને છીનવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ભાજપ પણ આવું કરી શકે છે. હવે તમારે ફરિયાદ ન કરવી જોઈએ. એવું જાણવા મળ્યું હતું કે આ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હવેથી, મહાયુતિના મુખ્ય ઘટકપક્ષોએ એકબીજાના નેતાઓ-કાર્યકરોને સામેલ ન કરવા.

આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સહમતી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો…કેબિનેટની બેઠકમાં મહાયુતિની નારાજીનો ભડકો: શિંદે સેનાના પ્રધાનોનો બહિષ્કાર, ભાજપ દ્વારા કશું ન થયું હોવાનો દેખાવ

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button