શિંદે મુખ્યમંત્રી બનવા માટે ઉત્સુક, શિવસેનાને ભાજપમાં ભેળવવા તૈયાર: રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે શુક્રવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની દિલ્હી મુલાકાત અંગે કટાક્ષ કરતા કહ્યું હતું કે, તેઓ મુખ્ય પ્રધાન બનવા માટે એટલા તત્પર બની ગયા છે કે તેમણે શિવસેનાનું ભાજપમાં વિલીનીકરણ કરવાની ઓફર કરી છે.
રાઉતે એવો દાવો કર્યો હતો કે એકનાથ શિંદેએ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની તાજેતરની મુલાકાતમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે ઘણી ફરિયાદો કરી હતી.
જોકે, શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ રાજ્યસભાના સાંસદ પર પ્રહાર કરતાં કહ્યું કે તેમને આવી ટિપ્પણી કરવાની આદત છે અને તેમના પક્ષના લોકો પણ તેમને ગંભીરતાથી લેતા નથી.
પત્રકારો સમક્ષ રાઉતે એવો દાવો કર્યો હતો કે, ‘કેન્દ્રીય પ્રધાન અમિત શાહ સાથેની મુલાકાત દરમિયાન, એકનાથ શિંદેએ એવી ફરિયાદ કરી હતી કે ફડણવીસ તેમને કામ કરવા દેતા નથી અને તેમના પક્ષના વિધાનસભ્યો સામે તપાસના આદેશ આપી રહ્યા છે.’
તેમણે વધુમાં એવો આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના વડાએ શાહને કહ્યું હતું કે મરાઠી એકતાને વધુ તીવ્ર બનાવવાના પ્રયાસોથી તેમના પક્ષને નુકસાન થશે અને આ ચળવળને નબળી પાડવાની જરૂર છે.
શિંદેએ શાહ સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેમને (એકનાથ શિંદે)ને મુખ્ય પ્રધાન બનાવવાથી આનો ઉકેલ આવશે. જો તેઓ (શિંદે) મુખ્ય પ્રધાન બનશે, તો આવી પ્રવૃત્તિઓને રોકશે અને મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થિરતા લાવશે,’ એમ સંજય રાઉતે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે શાહે નિર્દેશ આપ્યો કે મુખ્ય પ્રધાન તો ભાજપના જ હોવા જોઈએ, ત્યારે શિંદેએ એમ કહ્યું હતું કે તેઓ શિવસેનાને ભાજપમાં ભેળવી દેવા તૈયાર છે.
‘તેઓ (શિંદે) મુખ્ય પ્રધાન બનવા માટે એટલા ઉત્સુક છે કે તેઓ ભાજપમાં પાર્ટીનું વિલીનીકરણ કરવા તૈયાર છે,’ એવો દાવો રાઉતે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે સંજય રાઉતે શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેના અથવા ભાજપ વિશે આવા બેફામ દાવા અગાઉ પણ કર્યા છે.
આપણ વાંચો: ‘મુંબઈનો ડીએનએ હિન્દુ છે’: ભાષા વિવાદ વચ્ચે ભાજપના નેતાની વિવાદાસ્પદ ટિપ્પણી
જાન્યુઆરીમાં, રાઉતે એવો દાવો કર્યો હતો કે શિવસેનાના પ્રધાન ઉદય સામંત રાજ્યના ત્રીજા નાયબ મુખ્ય પ્રધાન બની શકે છે, અને તેમની અને શિંદે વચ્ચે અણબનાવ થયો છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગુવાહાટીમાં શિંદેની કામાખ્યા મંદિરની મુલાકાત દરમિયાન બલિ આપવામાં આવેલા ભેંસોના શિંગડા મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન ‘વર્ષા’ના પરિસરમાં દફનાવવામાં આવ્યા હતા, જેથી ટોચનું પદ બીજા કોઈને ન જાય.
2022માં જ્યારે શિંદે મુખ્યમંત્રી બન્યા, ત્યારે રાઉતે કહ્યું કે આ સરકાર ટકશે નહીં, પરંતુ સરકાર ટકી ગઈ હતી અને મહાયુતિ સરકાર ભારે બહુમતી સાથે સત્તામાં પાછી ફરી હતી.