વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની ચાર કલાક પૂછપરછ

મુંબઈ: વેપારી સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ચાર કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે પતિ રાજ કુન્દ્રા સાથે સ્થાપેલી કંપનીની બાબતોમાં પોતાની ભૂમિકા નકારી હતી.
આર્થિક ગુના શાખાની એક ટીમે 4 ઑક્ટોબરે શિલ્પા શેટ્ટીની તેના નિવાસસ્થાને પૂછપરછ કરી હતી અને તેનું નિવેદન નોંધ્યું હતું. અભિનેત્રીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ફડચામાં ગયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડની બાબતોમાં પોતે જોતી નથી.
આપણ વાંચો: શિલ્પા શેટ્ટીના ઘરે ફરી પોલીસના ધામાઃ અભિનેત્રી અને પતિનું કલાકો ચાલ્યું ઈન્ટ્રોગેશન
શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુન્દ્રા હોમ શોપિંગ અને ઓનલાઇન રિટેઇલ પ્લેટફોર્મ બેસ્ટ ડીલ ટીવી પ્રાઇલેટ લિમિટેડના ડિરેક્ટર હતાં. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેત્રીનું નિવેદન નોંધતી વખતે તેણે દરેક પ્રશ્ર્નના ઉત્તર આપ્યા હતા અને સંબંધિત દસ્તાવેજો સુપરત કર્યા હતા. અભિનેત્રી દ્વારા પૂરા પાડવામાં આવેલા દસ્તાવેજોની પોલીસ ચકાસણી કરી રહી છે.
શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે પોતે કંપનીની બાબતોમાં જોતી નથી. તેને પ્લેટફોર્મ (બેસ્ટ ડીલ ટીવી પ્રા.લિ.) પર હાજરી પુરાવવા માટે સેલિબ્રિટી ફી ચૂકવવામાં આવી હતી.
આપણ વાંચો: 60 કરોડની છેતરપિંડીઃ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, શિલ્પા શેટ્ટીનું પણ નિવેદન નોંધાશે
અત્રે ઉલ્લેખનીય છે કે લોન-કમ-ઇન્વેસ્ટમેન્ટ ડીલમાં વેપારી દીપક કોઠારી (60) સાથે 60 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા પ્રકરણે 14 ઑગસ્ટે જુહુ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આર્થિક ગુના શાખાએ અગાઉ તપાસના ભાગરૂપે રાજ કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું તેમ જ શિલ્પા અને તેના પતિ વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર પણ જારી કર્યું હતું. (પીટીઆઇ)