શશીકાંત શિંદે એનસીપી (એસપી)ના વડા તરીકે કાર્યભાર સંભાળે તેવી શક્યતા
શિંદે જયંત પાટિલ (63)નું સ્થાન લેશે, જેમણે રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની સ્થાનિક સંસ્થાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલાની સૌથી મોટી ઉથલપાથલમાં ફાયરબ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ મંત્રી શશીકાંત શિંદે શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એસપી)ના આગામી મહારાષ્ટ્ર પ્રમુખ બનવાની શક્યતા છે. શિંદે (61) મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના વતની છે.
શિંદે જયંત પાટિલ (63)નું સ્થાન લેશે, જેમણે એનસીપી (એસપી)ના 26મા સ્થાપના દિવસે રાજીનામું આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મંગળવારે એનસીપી (એસપી)ની રાજ્ય કારોબારી સમિતિની મુંબઈમાં એક બેઠક થશે ત્યારે આની ઔપચારિક જાહેરાત થવાની ધારણા છે.
એનસીપી (એસપી) સુપ્રીમો શરદ પવાર અને તેમના પુત્રી તેમ જ પક્ષના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે આ બેઠકમાં હાજર રહેશે. આ અહેવાલો પર પ્રતિક્રિયા આપતા શિંદેએ કહ્યું હતું કે, જો મારું નામ ચર્ચા માટે આવ્યું હોય તો તે મારા માટે સન્માનની વાત છે. પક્ષ મને જે પણ જવાબદારી સોંપશે તે હું લઈશ.
આપણ વાંચો: ઔરંગઝેબની કબર હટાવવાના મુદ્દે મહાયુતિમાં તિરાડ, એનસીપીના વિધાનસભ્યે કહ્યું- રહેવા દો
જોકે, સાંગલી જિલ્લાના ઇસ્લામપુરથી આઠ વખત વિધાનસભ્ય રહેલા પાટીલે અત્યાર સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરી ન હોવા છતાં તેમણે શનિવારે રાજીનામું આપી દીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા, એનસીપી (એસપી)ના સિનિયર નેતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે જયંત પાટીલ રાજ્યના પ્રમુખ છે. તેમના રાજીનામાના સમાચાર ફેલાય એ બદમાશી સિવાય બીજું કંઈ નથી. અમારો પક્ષ નિયમો અને શિસ્ત હેઠળ કાર્ય કરે છે.
બીજી તરફ આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે જેમણે રાજીનામું આપી દીધું (જયંત પાટીલ) તેમને શુભેચ્છા અને જેઓ આ પદ પર આવ્યા તેમને (શિંદે) પણ શુભેચ્છા. આ તેમની પાર્ટીનો અંતર્ગત મુદ્દો છે. આ બાબતે એનસીપીના પ્રમુખ અજિત પવારને પણ પ્રશ્ર્ન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.